ડાંગ જિલ્લામાં છેલ્લાં ૧૦ કલાક દરમિયાન સરેરાશ ૩૩.૩૩ મી.મી વરસાદ નોંધાયો

હિન્દ ન્યુઝ, ડાંગ

વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે આજરોજ વરસાદનું જોર ધીમું પડ્યું છે. છેલ્લાં ૧૦ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૩૩.૩૩ મી.મી વરસાદ નોંધાયો છે. વરસાદની આ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો અને માર્ગો પર તાત્કાલિક રાહત તથા મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાની સમગ્ર પરિસ્થિત ઉપર કલેક્ટર તેમજ તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ, આજે તા. ૨૪ મી જુલાઈના રોજ સવારે ૬:૦૦ કલાકથી સાંજના ૪:૦૦ કલાક સુધીના ૧૦ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૪૦ મી.મી. (મોસમનો કુલ ૧૫૬૧ મી.મી), સુબીર તાલુકામાં ૩૮ મી.મી (મોસમનો કુલ ૧૩૭૮ મી.મી) તથા વઘઈ તાલુકામાં ૨૨ મી.મી. (મોસમનો કુલ ૧૮૮૩ મી.મી) વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાનો સરેરાશ વરસાદ ૩૩.૩૩ મી.મી (મોસમનો કુલ ૧૬૦૭.૩૩ મી.મી) વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદના પરિણામે ડાંગ જિલ્લાના આહવા-વઘઈ રોડ તથા નાનાપાડા થી ભેંડમાળ રોડ પર લેન્ડ સ્લાઇડ તેમજ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. આ ઉપરાંત પિંપરી-કાલીબેલ રોડ અને આહવા-નવાપૂર રોડ પર પણ વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચી યુદ્ધધોરણે રસ્તા પરથી કાટમાળ અને વૃક્ષો હટાવી માર્ગો ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત, ભારે વરસાદના કારણે મુરબી પ્રાથમિક શાળા અને ધોધલપાડા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ (સંરક્ષણ દીવાલ) ધરાશાયી થવાના બનાવો નોંધાયા છે, જે અંગે પણ તંત્ર દ્વારા જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દરમિયાન પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ સાંજના પાંચ વાંગ્યાની સ્થિતિએ ૧૫ માર્ગો કોઝવે અને પુલ ઉપર પાણી ફરી વળવાના (ઓવરટોપિંગ) કારણે બંધ થયાં છે. જેમાં વઘઈ ૧. મેઇન રોડ ટૂ આંબાપાડા ચિંચપાડા ઉગા રોડ, ૨. ખાતળ ફાટક ટુ ઘોડી રોડ, ૩. માછળી ચિખલા દિવડયાવન રોડ, ૪. કાલીબેલ પાંઢરમાળ વાંકન રોડ, ૫. આહેરડી બોરદહાડ રોડ , ૬. બાજ વી.એ. રોડ, ૭. ઘોડવહળ વી.એ. રોડ, ૮. બાજ મેઇન રોડ ટૂ મલિન રોડ, ૯. સુસરદા વી.એ. રોડ, ૧૦. ભદરપાડા ચિચોંડ રોડ, ૧૧. ઘાંગડી કાનાત ફળિયા રોડ, ૧૨. મોટીદાબદર લહાનદાબદર નાનાપાડા રોડ, ૧૩. દગુનીયા વી.એ. રોડ જ્યારે આહવા તાલુકાના ચાર માર્ગો જેમાં ૧. ભવાનદગડ ધુલચોંડ આમસરવલણ રોડ અને સુબીર તાલુકાના ત્રણ રોડ જેમાં ૧. કાકડવિહિર ખેરિંદ્રા ચમારપાડા રોડ જે ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.

જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને નદી, નાળા અને કોઝવે પરથી પાણી વહેતું હોય ત્યારે પસાર થવાનો પ્રયાસ ન કરવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ હવામાન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. માર્ગો અંગેની નવીનતમ માહિતી માટે સંબંધિત વિભાગ તથા જિલ્લા કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.

Related posts

Leave a Comment