હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીની સ્થિતિની ધ્યાને લેતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઇ.ઓ. અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને ભારે વરસાદની આગાહીની પૂર્વતૈયારીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઇ.ઓ. અમિત અરોરાએ આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત રાહત અને બચાવ કામગીરી અસરકારક રીતે અમલમાં મૂકવા માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે સરકારશ્રીના “ઝીરો કેઝ્યુલિટી” અભિગમને સાકાર કરવા તાલુકા તથા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ સતત કાર્યરત રાખવા, ડિઝાસ્ટર ચેકલિસ્ટ મુજબ જરૂરી સાધન-સામગ્રીની ચકાસણી કરવા તેમજ ગ્રામ્ય કક્ષાએ તરવૈયાઓ, આપદા મિત્રો અને સરપંચશ્રીઓના સંપર્ક નંબરોની યાદી અદ્યતન રાખવા સૂચના આપી હતી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, શાળાઓ તથા સરકારી ઇમારતોમાં પાણી, વિજળી અને ભોજન સહિતની સુવિધાઓ સાથે શેલ્ટર હોમ તૈયાર રાખવા, ગત વર્ષના વરસાદના આંકડા તથા ઉપલબ્ધ સંસાધનોના આધારે આગોતરી આયોજન કરવા તેમજ દરેક તાલુકામાં આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણ સજ્જ રહે તે માટે રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.
કલેકટર અનિલ ધામેલીયાએ તમામ અધિકારીઓ-કર્મચારીઓ અને તલાટીઓને ફરજિયાત પણે હેડકવાર્ટર પર હાજર રહી સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવા જણાવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ માનવ જાનહાનિ, પશુ જાનહાનિ અથવા મકાન નુકસાન અંગે કંટ્રોલરૂમને તાત્કાલિક પ્રાથમિક જાણ કરવા તાકીદ કરી હતી, જેથી રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરી શકાય.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, નાયબ મ્યુનિ.કમિશ્નર ઋતુરાજ દેસાઇ, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ સહિત પ્રાંત અધિકારીઓ, વનવિભાગના અધિકારીઓ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ જોડાયા હતા.
