હિન્દ ન્યુઝ, જામનગર
રાજયની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ તમામ ગૌશાળા-પાંજરાપોના માલિકો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી શકે છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓના માટે નિભાવ માટે આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. જામનગર જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો આઈ-ખેડૂત પોર્ટલ પર જઈને આ યોજના અંગે ઓનલાઈન અરજી કરી શકે છે.
આ યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો http://gauseva.gujarat.gov.in – આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ઓક્ટોબર-2023 થી ડિસેમ્બર-2023 ના તબક્કાની સહાય માટે આગામી તા.15 જાન્યુઆરી સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે. જે તબક્કા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી ન કરવામાં આવી હોય, તો જે-તે લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવવાપાત્ર રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની કુલ 24 સંસ્થાઓને બીજા ક્વાર્ટર (જુલાઈ-2023 થી સપ્ટેમ્બર- 2023) દરમિયાન 4428 જેટલા પશુઓ માટે પ્રતિ દિન રૂ.30 સહાય ચુકવવામાં આવી છે. તેમજ કુલ રૂ.1 કરોડ 22 લાખથી વધુ સહાય જામનગર જિલ્લાના પશુપાલકોને નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા ચુકવવામાં આવી છે.
ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નકલની સાથે જરૂરી સાધનિક-કાગળો જોડવાના રહેશે. અરજી કર્યાના 21 દિવસના સમયગાળાની અંદર નાયબ પશુપાલન નિયામકની કચેરી, જામનગર જિલ્લા પંચાયત ખાતે અરજી રજૂ કરવાની રહેશે, ત્યારબાદ તે અરજી રદ્દ ગણવામાં આવશે. અત્રે જણાવેલા તમામ મુદ્દાઓની જિલ્લાના તમામ પશુપાલક મિત્રોને ખાસ નોંધ લેવા માટે નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.