જૂનાગઢમાં સર્કિટ હાઉસ ખાતે વિચરતી અને વિમુક્ત જાતિ સમુદાયની ચિંતન શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

    જૂનાગઢમાં સર્કિટ હાઉસ ખાતે વિચરતી અને વિમુક્ત જાતિ સમુદાયની ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં સભ્ય ભરતભાઇ પટ્ટણીના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અસ્મિતા અને ગૌરવથી ઉત્થાન આ સૂત્ર સાથે કેન્દ્ર સરકાર દ્વારા વિચરતી અને વિમુખ, પછાત અને અતિ પછાત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આમ સમાજના મુખ્ય પ્રવાહમાંથી પાછળ રહી ગયેલા લોકોને સશક્ત, સાક્ષર અને મજબૂત કરવાના પુરજોશથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

વર્તમાન સમયમાં SEED યોજના/ Scheme for Economic Empowerment of DNTs- DNTs ના આર્થિક સશક્તિકરણ માટેની યોજના એ ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ એક કલ્યાણકારી યોજના છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય ડિ-નોટિફાઇડ, વિચરતી અને અર્ધ-વિચરતી સમુદાયોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવાનો છે. આ નાગરિકોને પાણી, સ્વચ્છતા, ગટર, વીજળી, શૌચાલય વગેરે પ્રાથમિક સવલતો મળી રહે તે રીતે આમ સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

આ ઉપરાંત સૌથી વંચિત સમુદાયોને લાભ આપવા માટે, આ યોજનાને ચાર મુખ્ય ઘટકોમાં વહેંચવામાં આવી છે. જેમાં નિ:શુલ્ક કોચિંગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવું . આરોગ્ય વીમોમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા પરિવારોને આરોગ્ય વીમા કવર પૂરું પાડવું. આજીવિકા સહાય દ્વારા તેઓની આવક વધારવા અને સ્વરોજગાર શરૂ કરવા માટે નાણાકીય સહાય અને તાલીમ પૂરી પાડવી. આવાસ સહાય અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) જેવી યોજનાઓ દ્વારા ઓછી કિંમતે ઘરો બનાવવામાં મદદ કરવી તેવ ઉમદા ઉદેશ્યો જોવા મળે છે. 

ઉપરોક્ત કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ યોજનાથી લાભાનવિત બહેનોએ પોતાની સાફલ્ય ગાથા અધ્યક્ષશ્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી. આ ઉપરાંત શ્રી ભરતભાઇ પટ્ટણીએ કાર્યક્રમના પરિપ્રેક્ષ્યમાં જણાવ્યું હતું કે, હર હાથ મેં કામ, હર હાથ મેં દામ આ સૂત્ર સાથે સમાજના મુખ્ય પ્રવાહથી પાછળ રહી ગયેલા નાગરિકોને સ્વ રોજગાર મળે તે આજના સમયની તાતી જરૂરિયાત છે. ખાસ કરીને મહિલાઓ સ્વરોજગારી મેળવે તે ખૂબ જ આવશ્યક છે. તેઓ પોતાના પગ ઉપર ઊભા થાય અને પોતાના હક્ક માટે જાગૃત બને તે ખૂબ જરૂરી છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબોને ગરીબ નહીં પરંતુ દરિદ્ર નારાયણની ઉપાધિ આપી છે અને દેશનો સાચો વિકાસ દરિદ્ર નારાયણની સેવા થકી જ શક્ય બનશે તેવું ભારપૂર્વક કહ્યું છે. રાજ્યમાં અત્યારે ૨૮ જેટલી વિચરતી જાતિ અને ૧૨ જેટલી વિમુખ જાતિ વસવાટ કરે છે. ત્યારે સબકા સાથ અને સબકા વિકાસ- આપણા પ્રધાનમંત્રીશ્રીના આ સ્વપ્નને સાકાર કરવા માટે સમાજના તમામ વર્ગોએ જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવોથી ઉપર ઊઠીને એક સાથે આગળ આવવું પડશે. 

આ તકે મહિલાઓએ પોતાના વિસ્તારની સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી અને અધ્યક્ષનું માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહેમાનોને વિવિધ સખી મંડળો અને સ્વ રોજગાર જૂથના બહેનોએ પુષ્પગુચ્છ અર્પણ કરીને અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ઉપરોક્ત સમારોહ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓ અને વિવિધ સંલગ્ન અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment