હિન્દ ન્યુઝ, દાહોદ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના સુખસર તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં તા. ૧૬/૫/૨૦૨૬ થી ૩૦/૫/૨૦૨૬ દરમ્યાન યોજાયેલ ૧૫ દિવસીય સમર યોગ કેમ્પનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું.
યોગ કોચ શંકરભાઈ કટારા દ્વારા દરરોજ સવારે ૭ થી ૯ દરમ્યાન ૧૩૦ બાળકોને આસન, પ્રાણાયામ, ધ્યાન સહિત આદર્શ દિનચર્યા, સંસ્કાર અને મોબાઈલની આડ અસરો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.
સમાપન સમારોહમાં જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર ધુળાભાઈ પારગી દ્વારા આચાર્ય અને યોગ કોચનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. બાળકોને સર્ટિફિકેટ તથા દાતાઓ દ્વારા ચોપડા, પેન અને વ્યસનમુક્તિ સાહિત્યનું વિતરણ કરાયું. વાલીઓએ જણાવ્યું કે બાળકોમાં માત્ર ૧૫ દિવસમાં સવારે વહેલા ઊઠવું, મોબાઈલ છોડવો અને વડીલોને પગે લાગવા જેવા સુખદ બદલાવ આવ્યા છે.
ગ્રામજનોએ ભીતોડી ગામને સમર યોગ કેમ્પ ફાળવવા બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો.
