ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે મતદાન અને મતગણતરીના દિવસે ‘ડ્રાય ડે’ જાહેર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથમાં 

    સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-૨૦૨૬ના કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ જિલ્લા પંચાયત તથા તમામ તાલુકા પંચાયતો અને વેરાવળ-પાટણ, ઉના, સુત્રાપાડા અને તાલાલા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેની મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે.

આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા ‘ડ્રાય ડે’ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ચૂંટણી સંદર્ભે ન્યાયી પ્રક્રિયા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે તેમજ ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે ચૂંટણી હેઠળના મત વિસ્તારમાં મતદાન પૂરૂં કરવાના કલાક સાથે પૂરાં થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન વિદેશી દારૂના વેંચાણના પરવાના તથા નશાકારક પદાર્થના પરવાના હેઠળના વેંચાણ પર જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં એપ્રિલ-૨૦૨૬માં યોજાનાર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-૨૦૨૬ના કાર્યક્રમ સંદર્ભે તા.૨૪/૦૪/૨૦૨૬ના રોજ સાંજના ૦૬:૦૦ કલાક થી તા.૨૬/૦૪/૨૦૨૬ના સાંજના ૦૬:૦૦ કલાક સુધીના સમય અને જો પુનઃમતદાન થાય તો પુનઃમતદાનના દિવસે તથા મતગણતરીના દિવસે તા.૨૮/૦૪/૨૦૨૬ના આખો દિવસ ચૂંટણી હેઠળના મત વિસ્તારમાં આવેલી વિદેશી દારૂના વેંચાણના પરવાના(એફ.એલ.-૧, એફ.એલ.-૨ અને એફ.એલ.-૩) તથા નશાકારક વેંચાણના પરવાના હેઠળના વેંચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને ચૂંટણી હેઠળના મત વિસ્તારમાં “ડ્રાય ડે” જાહેર કરવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ગુન્હો સાબીત થયે છ માસની સાદી કેદ કે રૂ.૨૫૦૦/- સુધીનો દંડ કે બન્ને શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓ તથા સંબંધિત પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Related posts

Leave a Comment