હિન્દ ન્યુઝ,
સમગ્ર ગુજરાત ઉત્સાહ અને આનંદ સાથે પ્રકાશના પર્વની ઉજવણી માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસ (ઇએમએસ) દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
આ આગાહી છેલ્લા કેટલાક વર્ષોના ભૂતકાળના આંકડા અને ઇમરજન્સી પેટર્નના વિશ્લેષણના આધારે કરવામાં આવી છે, જેથી ઉત્સવ દરમ્યાન સુચિત તૈયારી અને ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરી શકાય.
દિવાળીના તહેવારો આનંદ, એકતા અને નવ વર્ષ આરંભનું પ્રતિક છે. આ તહેવારો પરિવારોને જોડે છે, સમાજમાં એકતાનો સંદેશ આપે છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશા પ્રેરિત કરે છે. આ ઉજવણીના મહત્વને માન આપીને, ૧૦૮-ઇએમએસ એ નાગરિકોને તહેવારો દરમ્યાન મેડિકલ ઈમરજન્સીમાં પ્રતિસાદ આપવા સજ્જ અને ખડેપગે છે, આમ નાગરિકો સુરક્ષિત રીતે અને અવરોધ વિના દિવાળી પર્વને માણી શકે તે માટે ૧૦૮ સેવા પ્રતિબદ્ધ છે.
છેલ્લા બે વર્ષના ઇમરજન્સી ટ્રેન્ડ અને પૂર્વાનુમાન મુજબ, દિવાળી (૨૦ ઑક્ટોબર ૨૦૨૫)ના રોજ ઇમરજન્સીમાં ૭.૭૭%નો વધારો (અંદાજે ૫,૧૯૯ ઇમરજન્સી), નવા વર્ષ (૨૨ ઑક્ટોબર ૨૦૨૫)ના રોજ ૧૮.૨૪%નો વધારો (અંદાજે ૫,૭૦૪ ઇમરજન્સી) અને ભાઈ દૂજ (૨૩ ઑક્ટોબર ૨૦૨૫)ના રોજ ૧૨.૧૧%નો વધારો (અંદાજે ૫,૪૦૮ ઇમરજન્સી) થવાની શક્યતા છે, જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ ૪,૮૨૪ ઇમરજન્સી નોંધાય છે.
મુખ્ય ઇમરજન્સી ટ્રેન્ડ્સ:
માર્ગ અકસ્માત (ટ્રોમા વેહિક્યુલર): દિવાળી દરમિયાન ૮૩.૭૪% (૯૭૨ ઇમરજન્સી), નવા વર્ષે ૧૩૧.૧૯% (૧,૨૨૩ ઇમરજન્સી) અને ભાઈ દૂજ પર ૬૨.૭૬% (૮૬૧ ઇમરજન્સી) નો વધારો થવાની શક્યતા છે, જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ ૫૨૯ ઇમરજન્સી નોંધાય છે.
ટ્રોમા નોન- વેહિક્યુલર: દિવાળી દરમિયાન ૬૫.૩૧% (૮૧૦), નવા વર્ષે ૩૯.૧૮% (૬૮૨) અને ભાઈ દૂજ પર ૧૪.૪૯% (૫૬૧) નો વધારો થવાની શક્યતા છે, સામાન્ય દિવસોમાં સરેરાશ ૪૯૦ છે.
ઈમરજન્સીમાં વધારો નોંધાવાની શક્યતા વાળા જીલ્લાઓ: આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, દાહોદ, મહેસાણા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, સુરત અને વડોદરા.
વધુ ઈમરજન્સી સાથે કોલ ભારણનો સંભવિત સમય: બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી.
ઉત્સવ દરમિયાન તૈયારીઓ:
૧૦૮-ઇએમએસની ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે. મુખ્ય તૈયારીઓમાં નીચેના પગલાં લેવામાં આવ્યા છે:
ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (ERC) ખાતે ઝીરો લીવ અને વિક ઑફ રોસ્ટરનો અમલ.
મુખ્ય હોસ્પિટલો ખાતે ફિલ્ડ અને સુપરવાઇઝરી સ્ટાફની નિમણૂક કરીને ઝડપી કોઓર્ડિનેશન અને એમ્બ્યુલન્સ ટર્ન-અરાઉન્ડ સુનિશ્ચિત કરાયો.
તમામ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય સપોર્ટ ટીમોની વ્યવસ્થા.
બધા એમ્બ્યુલન્સનું એડવાન્સ સર્વિસિંગ કરીને બ્રેકડાઉન ટાળવાની તૈયારી.
દવાઓ અને વપરાશ સામગ્રીનો વધારાનો પુરવઠો, જેથી વધારાની માગણી વખતે સેવા સતત મળી રહે.
પૂર્વતૈયારીમાં ટેક્નોલોજીનો સમન્વય:
૧૦૮-ઇએમએસ સતત ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થકી વિકસતી રહે છે. મજબૂત ટેક્નોલોજી સિસ્ટમ દ્વારા –
દરેક ઇમરજન્સી માટે સૌથી નજીકની અને યોગ્ય એમ્બ્યુલન્સનું આપોઆપ એસાઇનમેન્ટ થાય છે.
દરેક કેસનું રીઅલ-ટાઇમ મોનીટરીંગ થાય છે જેથી સમયસર પ્રતિસાદ મળી રહે.
ફીડબેક મિકેનિઝમ દ્વારા સેવા ગુણવત્તા જાળવી રાખવામાં અને સુધારણા લાવવામાં મદદ મળે છે.
હાલ ૧૦૮ સેવા હેઠળ સરેરાશ પ્રતિસાદ સમય ૧૪ મિનિટ અને ૩૦ સેકંડનો છે, જે સમગ્ર દેશના શ્રેષ્ઠ અને આદર્શ રિસ્પોન્સ ટાઈમ તરીકે પ્રસ્થાપિત થયેલ છે. ૧૦૮-ઇએમએસ નાગરિકોને ગોલ્ડન અવર્સ અને પ્લેટિનમ મિનિટ્સ દરમિયાન ઝડપી સહાય પૂરી પાડવા કટિબદ્ધ છે.
૧૦૮નો અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્તરણ:
૧૦૮-ઇએમએસના ઇતિહાસમાં સૌથી મોટું વિસ્તરણ તાજેતરમાં થયું છે. ગુજરાત સરકાર (GoG)ની ૫૪૨ એમ્બ્યુલન્સનું ૧૦૮ સેવા સાથે એકીકરણ/સંકલન તથા ૯૪ નવી એમ્બ્યુલન્સના લોકાર્પણ બાદ હવે ૧૦૮-ઇએમએસની કુલ ૯૧૫ની એમ્બ્યુલન્સની ફ્લીટ વધીને ૧,૪૫૯ જેટલી થયેલ છે.
આ વિસ્તરણના કારણે સેવાની ગુણવત્તા, પહોંચ અને રિસ્પોન્સ ટાઈમ વધુ સુદ્રઢ, સચોટ અને સુચારું બનેલ છે, અને રાજ્યભરમાં નાગરિકોને ઝડપી તબીબી સહાય મળી શકે છે.
ડાયલ ૧૧૨ જન રક્ષક સેવા સાથે સંકલનમાનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ ડાયલ ૧૧૨ જન રક્ષક હવે તમામ ઇમરજન્સી સેવાઓ મેળવવા રાજ્યવ્યાપી ઉપલબ્ધ છે.
જેના માટે એક જ નંબર ડાયલ કરવાનો રહે છે. નાગરિકો હાલમાં ૧૦૮ અથવા ૧૧૨ પૈકી કોઈપણ નંબર પર કોલ કરીને મદદ મેળવી શકે છે. બંને સિસ્ટમ ૧૦૮ની ગુણવત્તાયુક્ત ટેક્નોલોજી પર કાર્યરત છે, જેના કારણે ગુજરાતમાં સુમેળપૂર્ણ અને કાર્યક્ષમ ઈમરજન્સી સેવા મળી રહે છે.
નાગરિકો માટે અપીલ:
૧૦૮ પરિવાર તરફથી ગુજરાતના તમામ નાગરિકોને હાર્દિક અને સુરક્ષિત દિવાળી તથા નવા વર્ષની શુભકામનાઓ. તહેવારો આનંદ અને એકતાનું પ્રતિક છે, પરંતુ તે સાથે જવાબદારી અને સાવચેતીની પણ જરૂર છે.
કૃપા કરીને વાહન ચલાવતી વખતે, ફટાકડા ફોડતી વખતે અને તહેવારોમાં ભોજન લેતી વખતે સાવધ રહો. થોડું ધ્યાન અનેક અનિચ્છનીય ઇમરજન્સીને ટાળી શકે છે.
જો કોઈ ઇમરજન્સી થાય, તો વિલંબ કર્યા વિના તરત જ ૧૦૮ ડાયલ કરો જેથી સમયસર તબીબી સહાય મળી શકે.”
સતત સુધારાની પ્રતિબદ્ધતા:
૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસ સતત નવતર પ્રયાસો, સેવા અને ગુણવત્તા સુધારણા તરફ પ્રયત્નશીલ છે, લાભાર્થીઓની અપેક્ષાથી પણ વધુ સેવા આપવાનું ધ્યેય રાખી, ઝડપી, સક્ષમ, ગુણવત્તાયુક્ત,અને ટેક્નોલોજી આધારિત પ્રતિસાદ દ્વારા માનવ જીવન બચાવવાના મિશન સાથે આગળ વધી રહેલ છે.
