જિલ્લામાં ભારે વરસાદની આગાહી, તહેવારો અને લોકમેળાને ધ્યાને લઈ આગામી જાહેર રજાઓમાં સરકારી અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની સૂચના

હિન્દ ન્યુઝ, જામનગર 

   જામનગર જિલ્લામાં સંભવિત ભારે વરસાદની આગાહી, જન્માષ્ટમીનો તહેવાર અને આગામી લોકમેળાને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આગામી જાહેર રજાઓ દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

કલેક્ટર કચેરી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, મેડિકલ રજા સિવાયની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, જે અધિકારીઓ કે કર્મચારીઓ હાલ રજા પર છે, તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે જણાવાયું છે. કલેક્ટરશ્રીની પૂર્વ પરવાનગી વિના કોઈપણ અધિકારી કે કર્મચારીને પોતાનું હેડક્વાર્ટર છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ સૂચનાઓનો કડક અમલ કરવા માટે, સર્વે પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન તંત્ર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સર્વે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, જેટકો, પી.જી.વી.સી.એલ., નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ), જી.એસ.આર.ટી.સી., માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય, પંચાયત તથા વિદ્યુત), સિંચાઈ વિભાગ, ઉંડ જળ સિંચન વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ (રાજ્ય), એન.એચ.એ.આઈ., ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ, ખાણ ખનીજ વિભાગ, આયોજન કચેરી, મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, વાસ્મો, આરોગ્ય વિભાગ, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જી.જી. હોસ્પિટલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને શિક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે.

સાથે જ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જામનગરના સંકલનમાં રહીને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.

                                                         

Related posts

Leave a Comment