“હા, હવે શનિવાર પણ શીખવાનો દિવસ છે!”: ટેન બેગલેસ ડે તેમજ આનંદદાયક શનિવાર અંતર્ગત બોટાદ જિલ્લાની શાળાઓમાં શિક્ષણપર્વની ઉજવણી

હિન્દ ન્યુઝ, બોટાદ 

               બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાનું નાનકડું ગામ બગડ. પણ અહીંની શાળામાં બાળકો માટે તકો એટલી મોટી છે, કે મોટા શહેરોની શાળાઓને પણ દાદ દેવી પડે. ‘ટેન બેગલેસ ડે’ અંતર્ગત બગડ પ્રાથમિક શાળામાં થયેલી ઉજવણીઓએ બતાવ્યું કે, શિક્ષણ પુસ્તકોની સાથે સાથે અનુભવ અને સર્જનાત્મકતામાં પણ છે. શિક્ષણ વિભાગનાં બેગલેસ ડેની ઉજવણીનાં પરિપત્ર અનુસાર બગડ પ્રાથમિક શાળા ખાતે દરેક શનિવારને કંઈક ખાસ બનાવવાની તૈયારી શાળાનાં આચાર્યશ્રી હિરલબા અને તેમની દ્રઢસંકલ્પી ટીમ દ્વારા કરવામાં આવી હતી. તેમનાં નેતૃત્વ હેઠળ દરેક શનિવારને ઉજવણીનાં તહેવારમાં ફેરવી દેવામાં આવ્યાં છે. 

              જુલાઈ મહિનાનાં શનિવારો શાળાનાં વિદ્યાર્થીઓ માટે જાણે દર વખતે નવું નજરાણું લઈને આવ્યાં છે, આ આનંદ યાત્રાની શરૂઆત સમૂહ સફાઈ અને ગીત-સંગીતના સુંદર કાર્યક્રમથી થઈ. ત્યારબાદ યોગ અને લેઝીમ જેવી ઊર્જાવાન પ્રવૃત્તિઓ સાથે બાલસભાની મીઠી સવારી પણ થઈ. વિદ્યાર્થીઓએ યોગાસન દ્વારા શારીરિક અને માનસિક તંદુરસ્તી તરફ પગલું ભર્યું.

            પરંતુ “પારંપરિક પાત્રોમાં વેશભૂષા અને પોતાનો પરિચય” શાળાની સૌથી રસપ્રદ અને અનોખી પ્રવૃત્તિ હતી, બાળકોએ શ્રીરામ, શ્રીકૃષ્ણ, મહાત્મા ગાંધી, ડો. બાબા સાહેબ આંબેડકર, ઝાંસીની રાણી, હનુમાનજી થી લઈને છોટા વકીલ, ડોક્ટર અને ચિત્રકાર સુધીનાં પાત્રોનાં વેશભૂષામાં સજ્જ થયાં અને પોતાનાં આગવા અંદાજમાં તેમનો પરિચય આપ્યો. આ પ્રવૃત્તિઓ થકી બાળકોમાં રહેલી સુશુપ્ત શક્તિઓને જગાડવાનો સુંદર પ્રયાસ કરાયો. જેનાથી બાળકોમાં અવલોકન કરવાની, રજૂઆત કરવાની, સ્વચ્છતાનું મહત્ત્વ સમજવાની તેમજ અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળીને કાર્યો કરવા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું મંચ પુરું પાડવામાં આવ્યું હતું. 

              કહેવાય છે કે, બાળપણમાં મળેલી તક જ્યારે ભવિષ્યનું બીજ બને, ત્યારે એ શાળા માત્ર વર્ગખંડો પુરતી મર્યાદિત નથી રહેતી… એ સંસ્કારનું મંદિર બની જાય છે. બાળકોનો પાયો મજબૂત બને તે હેતુથી આપણાં રાજ્યનાં મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી નિરંતર કાર્યરત છે, બેગલેસ ડે એ માત્ર રોજીંદા શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વિરામ નથી, સાથે સાથે બાળકોની રુચિઓ અને સર્જનાત્મકતાને ઉજાગર કરવાનો અવસર છે. બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની પ્રેરણા અને માર્ગદર્શનથી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આ પ્રકારની ઉજવણી થકી બાળકોનો ઉત્સાહ કેળવવામાં આવી રહ્યો છે. 

                                                                                

Related posts

Leave a Comment