હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર ઝોનના નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર ડી. એમ. સોલંકી નો વિદાયમાન સમારોહ જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં પ્રાદેશિક કમિશનરને શ્રીફળ અને સાકર અર્પણ કરી 41 વર્ષની નોકરી દરમિયાન કરેલી વિવિધ વિશિષ્ઠ કામગીરીઓના પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા.
તા. 30/06/2025 ને સોમવારના રોજ વર્ષ 2013 ની બેચના આઈ. એ. એસ. અધિકારી ડી. એમ. સોલંકી (પ્રાદેશિક કમિશનર – નગરપાલિકાઓ, ભાવનગર ઝોન) નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કલેકટર ડૉ. મનિષ કુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીણા, જિલ્લા વિકાસ અધિકારી હુનુલ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ, મદદનીશ કલેકટર – ભાવનગર સુ પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, અધિક કલેકટર (આર.સી.એમ.) ડી. એન. સતાણી, ડી.આર.ડીએ. ડીરેક્ટર જે. એન. જરૂ તથા ભાવનગર કોર્પોરેશન, જિલ્લા પંચાયત ભાવનગર, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીના વિવિધ શાખાધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ભાવનગર ઝોન હેઠળના ચારેય જિલ્લાની ૨૮ નગરપાલિકાઓના ચિફ ઓફિસરઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રાદેશિક કમિશનરને શ્રીફળ અને સાકર અર્પણ કરી 41 વર્ષની નોકરી દરમિયાન કરેલી વિવિધ વિશિષ્ઠ કામગીરીઓના પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. પ્રાદેશિક કમિશનરએ કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો વ્યકિગત આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમની ફરજ દરમિયાન તેમના પરિવારજનોએ આપેલ સાથ અને સહકાર બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
