હિન્દ ન્યુઝ, બોટાદ
ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તથા બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોટાદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૯૯૧.૦૮ લાખના ૨૭૪ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે.
તાલુકા આયોજન સમિતિ તરફથી રજુ કરવામાં આવેલા રૂ.૪૩૧ લાખની જોગવાઈ સામે ગ્રામ્ય કક્ષાએ પેવર બ્લોક, સી.સી.રોડનાં કામો, કોઝ-વેનાં કામો, નાળાના કામો, ગટરના કામો, પીવાના પાણીની લાઈન અને બોર-મોટરના કામો, પુર સંરક્ષણ દિવાલ, સ્મશાનમાં ખૂટતી સુવિધાના કામો,પ્રાથમિક શાળાના રૂમ અને શેડનાં કામો વધારાના આયોજન સહીત રૂ.૬૨૨.૫૭ લાખના ૧૯૨ કામો મંત્રી દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.
નગરપાલિકા આયોજન સમિતિ દ્વારા રૂ.૭૫ લાખની જોગવાઈ સામે રૂ.૯૭.૫૧ લાખના ૨૭ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં નગરપાલિકા વિસ્તારમાં, સ્ટ્રીટલાઈટ, પીવાના પાણીની લાઈનોના કામો, ગટરના લાઈન કામો અને ગટર ઘન કચરા નિકાલ કરવાના અદ્યતન સાધનોના કામ કરવામાં આવશે.
જિલ્લા કક્ષા જોગવાઈમાં રૂ. ૨૩૨ લાખના ૪૩ કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં બે તાલુકા ગામોને જોડાતા રસ્તા પર નાળા, ડીપ-કોઝવે, પ્રાથમિક શાળામા મધ્યાહન ભોજન શેડ અને પીવાના પાણી માટે ભૂગર્ભ ટાંકા, લાઈબ્રેરી અને સ્મશાનમાં ખૂટતી સુવિધાના કામો મંજુર કરાયા છે.
આ ઉપરાંત તાલુકા આયોજન સમિતિના રૂ.૧૦ લાખના ૪ પેવર બ્લોકના કામોને, ખાસ ભૌગોલિક વિસ્તાર જોગવાઈમાં રૂ. ૯ લાખના 3 કામો તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજનામાં તાલુકા આયોજન સમિતિ તરફથી રજુ કરવામાં આવેલા રૂ.૨૦ લાખના ૫ કામોને મંત્રીએ મંજુર કર્યા છે. બોટાદના સર્વાંગી વિકાસ અને દ્રઢ સંકલ્પને પ્રતિબિંબિત કરતી પુસ્તિકા વિકસિત બોટાદ @ ૨૦૪૭’નું મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
મંત્રીએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારી તથા અધિકારીઓને આયોજન મંડળમા મંજુર કરવામાં આવેલા ગ્રામ્ય અને શહેરી સુવિધાઓને લગતા લોક સુખાકારીના કામોને અગ્રીમતા આપી એક વર્ષની સમયમર્યાદામાં તમામ કામો ગુણવત્તાયુકત અને પારદર્શક રીતે પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તથા જિલ્લા આયોજન મંડળ ઉપાધ્યક્ષ જેઠીબેન પરમાર, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા, પદાધિકારીઓ તથા જિલ્લા આયોજન અધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
