હિન્દ ન્યુઝ, રાજકોટ
કાશ્મીરમાં લેન્ડ સ્લાઈડિંગ પછી પહલગાંવમાં થયેલા આતંકી હુમલા વખતે રાજકોટનો એક પરિવાર શ્રીનગરમાં ફસાયો હતો. તમામ રોડ-રસ્તા બંધ હતા અને ફ્લાઈટ્સ ફુલ જતી હતી. આ વખતે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમની વહારે આવ્યું હતું અને ફ્લાઈટ તેમજ ટેક્સીની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપી. જેના કારણે આ પરિવાર સલામત રીતે પોતાના ઘરે પહોંચ્યો છે.
રાજકોટમાં માધાપર ચોકડી નજીક ૨-શ્રીરામ પાર્કમાં રહેતા ૩૮ વર્ષીય નિરવ રમેશભાઈ આચાર્ય પત્ની કિરણ તથા પુત્ર જ્ઞાનેશ તથા તીર્થ સાથે કાશ્મીરના પ્રવાસે ગયા હતા. એ પછી તેઓ નજીકના સ્થળોએ ફરીને ૨૨મીએ ગુલમર્ગ થઈને સાંજે શ્રીનગર પહોંચ્યા હતા. ૨૩મીએ તેઓ પહલગાંવ જવાના હતા. પરંતુ ૨૨મીએ સાંજે તેમને પહલગાંવમાં આતંકવાદી હુમલો થયાના સમાચાર મળ્યા હતા.
તેમને સોશિયલ મીડિયા પરથી ગુજરાત સરકાર તથા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર કાશ્મીરમાં ફલાયેલા પરિવારોની મદદ માટે સક્રિય હોવાની માહિતી મળી હતી. આથી તેમણે ૨૩મી એપ્રિલે ગુજરાત ટૂરિઝમની ઓફિસમાં ફોન કર્યો. જ્યાંથી તેમને રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનો નંબર મળ્યો હતો. એ પછી તેમણે કલેક્ટર સાથે વાત કરી ત્યારે કલેક્ટર પ્રભવ જોશી તરફથી તેમને પૂરી મદદ અને વ્યવસ્થાની હૈયાધારણા મળી હતી. આ દરમિયાન આસિસ્ટન્ટ ડિસ્ટ્રીક્ટ કલેક્ટર, સ્ટેટ રિલીફ ફંડ તેમજ ગાંધીનગરથી ડિવાયએસપી ચુડાસમા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓના ફોન આવ્યા હતા અને અમને હિંમત સાથે વ્યવસ્થાની હૈયાધારણા આપી હતી.
૨૪મી એપ્રિલે સાંજે ચાર વાગ્યે કોલ આવ્યો અને રાતે સવા આઠ વાગ્યાની ફ્લાઈટમાં જવાની અમારી વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું જણાવાયું હતું. અમે ૨૪મીએ રાતે ૧૦.૩૦ કલાકે દિલ્હી પહોંચ્યા હતા. ત્યાંથી સવારે ૪.૪૫ કલાકની અમદાવાદની ફ્લાઈટની ટિકિટની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી રાખી હતી. આ ફ્લાઈટમાં અમે સવારે ૬.૦૫ કલાકે અમદાવાદ પહોંચ્યા તો, ત્યાંથી રાજકોટ સુધીની ટેક્સીની વ્યવસ્થા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચના મુજબ કરી રાખવામાં આવી હતી.
નિરવ આચાર્યએ ઉમેર્યું હતું કે, પરત આવવા માટે ફ્લાઈટની ટિકિટથી લઈને ટેક્સી સુધીની તમામ વ્યવસ્થા સરકારી તંત્ર દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવી છે, અમારે એક રૂપિયો ખર્ચવો નથી પડ્યો. જો આ સરકારી મદદ ના મળી હોત તો આટલા સહેલાઈથી અમે રાજકોટ ના પહોંચ્યા હોત. આટલા સરળ, સલામત પરિવહન માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તેમજ અન્ય અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
