હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર તાલુકાના ઠેબા, મોટા થાવરીયા તથા સુવરડા ગામે રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લોકસંપર્ક યોજાયો હતો.
મંત્રીએ આ ગામો ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા. તેમજ તેઓની રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્કમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆતો મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી. ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેના નિવારણ માટે લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખિત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું મંત્રી માધ્યમ બન્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ગામના નાગરિકો સાથે મંત્રીએ રૂબરૂ મુલાકાત કરી ગ્રામજનોની સમસ્યાઓ જાણી હતી. ગામ વિકાસના પ્રશ્નો જેમ કે પીવાના પાણીની સુવિધા, માર્ગ વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય તથા શિક્ષણ સંબંધિત મુદ્દાઓ ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવ્યા. જે પરત્વે લોક સંપર્ક દરમિયાન મંત્રી સાથે ઉપસ્થિત રહેલ અધિકારીઓએ પણ સંવેદનશીલતાપૂર્વક સંભાળ લઈને તત્કાલ અને લાંબા ગાળાના ઉકેલ માટે યોગ્ય પગલાં લેવા ખાતરી આપી.