હિન્દ ન્યુઝ, જામનગર
ભારત સરકારે ઓરી(મીઝલ્સ) અને રુબેલા સામે લડવા વિશ્વના સૌથી મોટા ટીકાકરણ અભિયાનની શરુઆત કરી છે. આ અભિયાન અંતર્ગત રસીકરણથી વંચિત રહી ગયેલા અને બહાર ગામથી આવેલા બાળકોને આવરી લેવામાં આવે છે. ૯ મહિનાથી ૫ વર્ષ સુધીના બાળકોને એમ.આર-1 અને એમ.આર-2 રસી મુકવામાં આવે છે જેથી કરીને બાળકોને ઓરી-રૂબેલાનો ચેપ ન લાગે. એમ.આર. રસી બાળકો માટે સંપુર્ણપણે સુરક્ષિત છે. આ રસીનો ઉપયોગ ૧૫૦થી વધુ દેશોમાં થઈ રહ્યો છે. આ રસી આપવાથી બાળકોમાં બન્ને રોગ થવાની સંભાવના ખુબ ઓછી રહે છે.
૧૫ માર્ચ અને ૧૬ માર્ચના રોજ જામનગર જીલ્લામાં ખિલખિલાટ રસીકરણ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બે દિવસ દરમિયાન બાળકોનું રસીકરણ કરવા માટે ૧૦૫ સેશન રાખવામાં આવ્યા હતા અને ૩૫૦ જેટલા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત છેવાડાના વિસ્તારમાં મોબાઇલ વાન મારફતે રસીકરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવા અને વંચિત બાળકોનું રસીકરણ કરવામાં આવે તે પ્રકારે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
