હિન્દ ન્યુઝ, બોટાદ
ઉનાળુ સીઝનમાં ટુંકા કઠોળ પાકનું વાવેતર કરી શકાય છે. કઠોળ પાકો જમીન સુધારણાનું પણ કામ કરે છે. જેથી પાક ફેરબદલી માટે પણ કઠોળ પાકનું વાવેતર ફાયદારૂપ છે. ઉનાળુ વાવેતર માટે નીચે મુજબના કઠોળ પાકો અને તેની જાતોનું વાવેતર કરી શકાય છે.
મગ : ઉનાળુ વાવેતર માટે મગની મુખ્ય પાંચ જાતો છે તેનું વાવેતર કરી શકાય છે.
ક-૮૫૧: આ જાતના દાણાનો કલર ચળકતો લીલો હોય છે અને ૧૦૦ દાણાનું વજન અંદાજીત ૩.૬૪ ગ્રામ હોય છે. છોડની ઉંચાઈ ૫૦-૫૫ સેમી અને શીંગો ટોચ ઉપર ઝૂમખામાં બેસે છે અને એકીસાથે પાકી જાય છે. દાણાની સાઇઝ મધ્યમ છે અને આ જાત ૬પ થી ૭૦ દિવસે પાકી જાય છે તેમજ એક વિષે અંદાજીત સરેરાશ ઉત્પાદન ૭ થી ૮ મણ સુધી મળે છે.
મેહા: આ જાતના દાણાનો કલર ચળકતો લીલો હોય છે અને ૧૦૦ દાણાનું વજન અંદાજીત ૪ ગ્રામ હોય છે. છોડની ઉંચાઈ ૫૫-૬૦ સેમી થાય છે. દાણાની સાઇઝ મધ્યમ છે અને આ જાત ૬૫ થી ૭૦ દિવસે પાકી જાય છે તેમજ એક વિષે અંદાજીત સરેરાશ ઉત્પાદન ૭ થી ૯ મણ સુધી મળે છે. આ જાતની શીંગો એકીસાથે પાકે છે અને પચરંગીયા રોગ સામે પ્રતિકારકતા ધરાવે છે તેમજ એક કરતા વધુ વખત ફાલ લઈ શકાય છે.
મગ-૫ : આ જાતના દાણાનો કલર ચળકત લીલો હોય છે અને ૧૦૦ દાણાનું વજન અંદાજીત ૫.૩ ગ્રામ હોય છે. દાણા મોટી સાઈઝના હોય છે અને આ જાત ૭૦ થી ૭૫ દિવસે પાકી જાય છે તેમજ એક વિષે અંદાજીત સરેરાશ ઉત્પાદનુ ૮થી ૧૦ મણ સુધી મળે છે. આ જાતની શીંગો એકીસાથે પાકે છે અને પચરંગીયા રોગ સામે પ્રતિકારકતા ધરાવે છે.
ગુજરાત મગ-૬: આ જાતના દાણાનો કલર લીલો હોય છે અને ૧૦૦ દાણાનું વજન અંદાજીત ૫.૫ ગ્રામ હોય છે. દાણા મોટી સાઇઝના હોય છે અને આ જાત ૭૫ થી ૮૦ દિવસે પાકી જાય છે. તેમજ એક વિષે અંદાજીત સરેરાશ ઉત્પાદન ૮થી ૧૦ મણ સુધી મળે છે. આ જાતની શીંગો એકીસાથે પાકે છે અને પચરંગીયા રોગ સામે પ્રતિકારકતા ધરાવે છે.
ગુજરાત મગ-૭ : આ જાતના દાણાનો કલર ચળકતો લીલો હોય છે અને ૧૦૦ દાણાનું વજન અંદાજીત ૪.૫ ગ્રામ હોય છે. શીંગો એક્સાથે પાકે છે અને ૭૫ થી ૮૦ દિવસે પાકતી આ જાત છે તેમજ એક વિષે અંદાજીત સરેરાશ ઉત્પાદન ૯ થી ૧૦ મણ સુધી મળે છે. પચરંગીયા રોગ સામે પ્રતિકારકતા ધરાવે છે.
ગુજરાત આણંદ મગ-૮ (હરા મોતી) : આ જાતના દાણાનો કલર ચળકતો લીલો હોય છે અને ૧૦૦ દાણાનું વજન અંદાજીત ૩.૭ ગ્રામ હોય છે. દાણાની સાઈઝ નાની હોય છે અને આ જાત ૬૫ થી ૭૫ દિવસે પાકી જાય છે તેમજ એક વિષે અંદાજીત સરેરાશ ઉત્પાદન ૯ થી ૧૨ મણ સુધી મળે છે. પીળા પચરંગીયા રોગ સામે પ્રતિકારકતા, ભુકીછારા સામે મધ્યમ પ્રતિકારકતા તથા દાણામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જે આ જાતની વિશેષ ખાસીયત છે.
અડદ: ઉનાળુ અડદ વાવેતર માટે મુખ્ય ૩ જાતો વિકસાવવામાં આવી છે.
ટી-૯: જૂની-જાણીતી અને ખેડુતોમાં ખુબ પ્રચલીત આ જાત છે. આ જાત ૭૫ થી ૮૦ દિવસે પાકી જાય છે. શીંગો ઝુમખામાં બેસે છે તથા ૧૦૦ દાણાનું અંદાજીત વજન ૩.૫૫ ગ્રામ હોય છે. એક વિષે અંદાજીત સરેરાશ ઉત્પાદન ૭.૫ થી ૯ મણ સુધી મળે છે.
ટીપીયુ-૪ : વહેલી પાકતી આ જાત ૭૦ થી ૭૫ દિવસે પાકી જાય છે. શીંગો ઝુમખામાં બેસે છે એક વિષે અંદાજીત સરેરાશ ઉત્પાદન ૮થી ૧૦ મણ સુધી મળે છે.
ગુજરાત અડદ-૧ : વહેલી પાકતી આ જાત ૭૦થી ૭૫ દિવસે પાકી જાય છે. ૧૦૦ દાણાનું અંદાજીત વજન ૪.૨૭ ગ્રામ હોય છે. એક વિષે અંદાજીત સરેરાશ ઉત્પાદન ૧૦થી ૧૨ મણ સુધી મળે છે. આ જાત વધુ ઉત્પાદન, મોટો દાણો અને વધુ પ્રોટીન ધરાવે છે.
ચોળા/ચોળી : ઉનાળુ વાવેતર માટેની જાતો નીચે મુજબ છે :
પુસા ફાલ્ગુની : આ વહેલી પાકતી જાતે ફક્ત શકભાજીના ઉપયોગ માટે અનુકુળ જાત છે. દાણાનો કલર સફેદ હોય છે અને ૧૦0 દાણાનું વજન ૫.૬ ગ્રામ છે. જેનું અંદાજીત ઉત્પાદન ૮૦૦૦ થી ૧૦૦૦ કિગ્રા./હે. આવે છે.
ગુજરાત ચોળા-૧ : આ જાત ૭૦થી ૭૫ દિવસે પાકે છે અને શીંગોનો રંગ દુધિયા જેવો હોય છે અને શીંગો એકીસાથે પાકી જાય છે. આ જાતના ૧૦૦ દાણાનું વજન ૭.૬૦ ગ્રામ હોય છે. જેનું અંદાજીત ઉત્પાદન ૧૦૦૦થી ૧૨૦૦ કિગ્રા./હે. આવે છે.
ગુજરાત ચોળા-૨ : આ જાત ૬૫થી ૭૫ દિવસે પાકે છે અને શીંગો ટુંકી અને લીલા રંગની હોય છે. આ જાતના ૧૦૦ દાણાનું વજન ૬.૫ ગ્રામ હોય છે. જેનું અંદાજીત ઉત્પાદન ૧૨૦૦ થી ૧૪૦૦ કિગ્રા./હે. આવે છે.
ગુજરાત ચોળા-૩ : આ જાત ૭૦થી ૮૫ દિવસે પાકે છે. આ જાત શાકભાજી તથા દાણા એમ બન્ને માટે ઉપયોગી છે. આ જાતમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે તેમજ શીંગો એકીસાથે પાકી જાય છે. આ જાતના ૧૦૦ દાણાનું વજન ૧૦ ગ્રામ હોય છે. જેનું અંદાજીત ઉત્પાદન ૧૨૦૦ થી ૧૫૦૦ કિગ્રા./હે. આવે છે.
ગુજરાત ચોળા-૪ : આ જાત ૬૫ થી ૭૦ દિવસે પાકે છે. શીંગોનો કલર લીલો, મોટા દાણા એકી સાથે પાકતી જાત છે. આ જાતના ૧૦૦ દાણાનું વજન ૧૪ ગ્રામ હોય છે. જેનું અંદાજીત ઉત્પાદન ૧૨૦૦ થી ૧૫૦૦ કિગ્રા./હે. આવે છે.
ગુવાર ના પાકનું ઉનાળુ વાવેતર માટે નીચે મુજબની જાતોની ભલામણ થઈ છે :
ગુજરાત ગુવાર-૧ : આ જાત ૧૦૦થી ૧૧૦ દિવસે પાકતી જાત છે અને દાણાનો રંગ પીળાશ પડતો સફેદ, શીંગો ઝુમખામાં આવે છે અને ગુંદરનું પ્રમાણ ૩૦-૩૨% છે. અંદાજીત સરેરાશ ઉત્પાદન ૧૯૦૦થી ૧૨૦૦ કિગ્રા./હેકટર આવે છે.
એચ. જી.-૭૫ આ જાત ૯૦ થી ૧૦૫ દિવસે પાકતી જાત છે અને દાણાનો કલર પીળાશ પડતો સફેદ, ગુવાર ગમ અને શાકભાજી માટે અનુકુળ છે. અંદાજીત સરેરાશ ઉત્પાદન ૯૦૦૦ થી ૧૦૦૦ કિગ્રા./હેકટર આવે છે.
પુસા નવબહાર : શકભાજી માટે અનુકુળ છે. આ જાત ૧૦૫ થી ૧૧૦ દિવસે પાકે છે અને અંદાજીત ઉત્પાદન ૮૦૦૦થી ૯૦૦૦ કિગ્રા./હે. આવે છે.