હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં શાંતિ, સલામતી અને મહિલા સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ્ય સાથે કાર્યરત ‘૧૮૧ અભયમ’ મહિલા હેલ્પલાઈન સેવાએ પોતાની સફળ કામગીરીના ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે. ૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આ સેવાની સિદ્ધિઓ પર નજર કરીએ તો જામનગર જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષના સમયગાળા દરમિયાન કુલ ૪૫,૮૭૯ મહિલાઓએ આ સેવાનો લાભ મેળવ્યો છે. તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ પર જઈને કાઉન્સિલર અને પોલીસ ટીમ દ્વારા જિલ્લાની ૯,૫૬૩ મહિલાઓને સીધી મદદ પૂરી પાડવામાં આવી છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન જામનગર જિલ્લામાં ૮૬૦ કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન ઘટના સ્થળે પહોંચી હતી, જેમાંથી ૬૨૮ કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સુખદ સમાધાન લાવવામાં સફળતા મળી છે. ગંભીર પ્રકારની સમસ્યા ધરાવતી ૨૦૨ પીડિતાઓને પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર કે આશ્રયગૃહ જેવી સંસ્થાઓ સુધી પહોંચાડી ન્યાય અપાવવાની ઉમદા કામગીરી પણ જામનગરની અભયમ ટીમ દ્વારા કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતની વાત કરીએ તો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ હેલ્પલાઈન દ્વારા છેલ્લા ૧૨ વર્ષમાં ૧૮.૧૦ લાખથી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપી સશક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યંત ગંભીર પરિસ્થિતિમાં મુકાયેલી ૧,૦૯,૮૮૬ મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડાઈ છે, જ્યારે ૨.૨૯ લાખથી વધુ કિસ્સાઓમાં પારિવારિક કે સામાજિક વિવાદોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. ૮ માર્ચ ૨૦૧૫ના રોજ રાજ્યવ્યાપી બનેલી આ સેવા આજે ૫૯ અત્યાધુનિક જીપીએસ સજ્જ રેસ્ક્યુ વાન અને ૨૪x૭ કાર્યરત તાલીમબદ્ધ સ્ટાફ સાથે મહિલાઓ માટે અભેદ્ય સુરક્ષા માળખું બની ગઈ છે.
