રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નવસારી જિલ્લાની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ચીખલી

   નવસારી જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચીખલી તાલુકાના રૂમલા ગામે આદિવાસી પરિવારના અમરતભાઈ પટેલના ઘરે પહોંચીને તેમના પરિવાર સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો.

             રાજ્યપાલએ અત્યંત સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમની જીવન પરિસ્થિતિ અંગે પૃચ્છા કરી હતી. પરિવારના વડીલ અમરતભાઈ તથા નાના બાળકો સાથે પણ તેમણે પ્રેમભર્યો વાર્તાલાપ કરી પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી.

             ભોજન દરમિયાન રાજ્યપાલએ પરિવારના સભ્યોના રોજગાર, ખેતી અને જીવન નિર્વાહ અંગે પણ માહિતી મેળવી હતી. તેમણે પરિવારને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે સમજ આપી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

           આદિવાસી પરંપરા મુજબ રાજ્યપાલએ ચોખાના રોટલા, જુવારના રોટલા, મગની દાળ, મિક્સ શાકભાજી, નાગલીનો શિરો તથા દાળ-ભાત જેવા સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો.

           ઉલ્લેખનીય છે કે, અમરતભાઈ પટેલ અને તેમનો પરિવાર ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. રાજ્યપાલ તેમના ઘરે પધાર્યા અને પરિવાર સાથે ભોજન કર્યું તે બદલ પરિવારના સભ્યો ભાવવિભોર બની ગયા હતા. રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી પ્રાકૃતિક ખેતીની સમજણથી પરિવાર પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પબદ્ધ બન્યા હતા. 

Related posts

Leave a Comment