હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સમાજમાં આજે મારે શું? અને મારુ શું? ની વિભાવના દિવસેને દિવસે બળવત્તર બનતી ચાલી છે. એક માનવી બીજાને ઉપયોગી બનવામાં પણ પીછેહઠ કરે છે, તેવા સમયે જેની કોઈ જાણ-પહેચાન પણ નથી તેવા અજાણ્યા વ્યક્તિની મદદે માહિતી ખાતાના કર્મચારીઓ પહોંચ્યા હતાં અને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી જિંદગીને નવજીવન આપવાનું કામ કર્યું હતું.
વાત છે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના છગિયા ગામના નાથાભાઈ બારડની…. કે જેઓ ડેંગ્યૂના કારણે અત્યંત ગંભીર હાલતમાં ઘણા દિવસથી માંદગીના બિછાને છે. આજે અચાનક તેમની તબિયત લથડતાં તેમને ચાર યુનિટ લોહી ચડાવવાની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઈ હતી.
યોગાનુયોગ આજે ’રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ના ઉપક્રમે ડાભોર રોડ પર આવેલા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના મથકે આ અંગેની વાત રેડક્રોસ સોસાયટીના કર્મચારીએ ત્યાં ઉપસ્થિત જિલ્લા માહિતી અધિકારી શ્રી સુનિલ પટેલને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડેંગ્યૂગ્રસ્ત આ દર્દીને તાત્કાલિક ધોરણે ફ્રેશ પ્લેટલેટ્સ ચડાવવાની જરૂરિયાત છે. અમે દાતાઓને ફોન કર્યો છે પરંતુ ‘એ-પોઝિટિવ’ બ્લડગૃપ ધરાવતા કોઈપણ ડોનર તાત્કાલિક ધોરણે બ્લડ આપવા ઉપસ્થિત રહી શકે તેમ નથી.
પરિસ્થિતિની ગંભીરતા પારખીને જિલ્લા માહિતી અધિકારી સુનિલ પટેલે તાત્કાલિક તેમનું લોહી આપવાની તૈયારી દર્શાવી હતી. કારણ કે, તેઓ ‘એ-પોઝિટિવ’ બ્લડગૃપ ધરાવે છે. પરંતુ તેમનું લોહી ઉપયોગમાં આવે તેમ ન્હોતું. આ જાણીને તેમણે કલેક્ટર કચેરીમાં કવરેજ માટે ગયેલી ટીમને તાત્કાલિક પરત બોલાવી તેમના બ્લડગૃપની તપાસ કરાવી હતી.
સદનસીબે કવરેજમાં ગયેલા ત્રણેય કર્મચારીઓનું બ્લડગૃપ ‘એ-પોઝિટિવ’ જણાયું હતું. અને તાત્કાલિક ધોરણે માહિતી અધિકારી સુનિલ પટેલની સમજાવટથી આ કર્મચારીઓ પોતાનું બ્લડ આપવા તૈયાર થયા હતાં અને ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે એમનું બ્લડ લઈને જરૂરિયાતમંદ નાથાભાઈને ત્વરિત પહોંચતું કર્યું હતું.
માહિતી ખાતું રાજ્ય સરકારના હકારાત્મક સમાચારો સામાન્ય જનતા સુધી પહોંચાડવા સાથે નાગરિક સમાજને ઉપયોગી થાય તેવી પોઝિટિવિટી પણ ફેલાવે છે, તેનું આ પ્રત્યક્ષ અને તાદ્રશ્ય ઉદાહરણ છે.
માહિતીખાતાના વીડિયોગ્રાફર સાજિદ કાઠી, ફોટોગ્રાફર સરમણ ભજગોતર અને ઓપરેટર આશિષ અપારનાથીએ પરવેદનાને પોતાની વેદના ગણી સાચો વૈષ્ણવજન કોને કહેવાય તેની વર્ષો પહેલા આદિકવિ નરસિંહ મહેતાએ કહેલી વાતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી હતી.
પ્રેસનું કામ નાગરિક સમાજને ઉન્નતી તરફ દોરવાનું અને સમાજમાં સારા વિચારો પ્રવર્તીત કરવાનું છે. તેવા સમયે માહિતીખાતાના કર્મયોગીઓએ સમયને પારખીને તાત્કાલિક પોતાની ઉદારતાનો પરિચય આપી પારકી જિંદગીનો દિવો ફરીથી પ્રજ્જવલિત કરવા માટે નિમિત્ત બની ખરા અર્થમાં ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ની ઉજવણીને સાર્થક કરી હતી.