હિન્દ ન્યુઝ, સુરત
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના કાણાઘાટ ગામે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા મંજૂર થયેલા રૂ.૨૨.૯૭ કરોડના ૧૦ જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યું હતું.
આ વિકાસકામોમાં રૂ.૭ કરોડના ખર્ચે પીપલવાડા કરૂઠા રસ્તો, રૂ.૧૭.૫૦ લાખના ખર્ચે મગતરા એપ્રોચ રોડ, રૂા.૧.૪૦ કરોડના ખર્ચે પીપલવાણ એપ્રોચ રોડ, રૂ.૫૨.૨૦ લાખના ખર્ચે દાદાકુઈ ઉપલા ફળિયા સુધીનો રસ્તો, રૂ.૧.૦૫ કરોડના ખર્ચે રખસખડી થી ડુંગરા ફળીયા રોડ, રૂ.૨.૪૫ કરોડના ખર્ચે જામકુઈ પીચરવણ ધજ રસ્તો, રૂ.૨.૪૧ કરોડના ખર્ચે લુહારવડ ફળિયાથી સોલી સુધી, રૂ.૬.૫૦ કરોડના ખર્ચે દેવગઢ લુહારવડ પર મેજર બ્રીજનું કામ, રૂ.૧૭ લાખના ખર્ચે કરૂઠા ગ્રામ પંચાયત ભવન નિર્માણનું કામ, રૂ.૧.૩૦ કરોડના ખર્ચે પીપલવણ એપ્રોચ રોડ પર સ્લેબ ડ્રેઇનનું કામ મળીને કુલ રૂા.૨૨.૯૭ કરોડના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માંડવી તાલુકો વિકાસના કામોમાં હરણફાણ ભરી રહ્યો છે. માંડવીના દરેક ગામોમાં વિકાસ કરી રમણીય બનાવવાના સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે. રાજય સરકાર નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરીને તેમનો વિકાસ થાય એ દિશામાં કામગીરી કરી રહી છે. ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું કે,રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થશે, તેમજ બાકી રહેલાં કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી રાજેશભાઇ પટેલ,જિલ્લા પંચાયતના સભ્ય રોહિત પટેલ, પ્રભારી વિકાસ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર અજયભાઈ રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, નાયબ મામલતદાર સમીરભાઈ ચૌધરી, જીતુભાઇ કવાડ, વિવિધ ગામોના સરપંચો સહિત તાલુકાના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.