હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ હેડ પોસ્ટઓફિસમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પરીક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવના અધ્યક્ષસ્થાને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિર યોજાઈ હતી. જેમાં કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે હવે પેન્શનધારકોને હયાતીનુ પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર ૭૦ રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી, પેન્શન મળવામાં કોઈ અડચણ નહીં થાય.
પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આ માટે દૂરદૂરના વિસ્તારોમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવામાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ઘણો ખર્ચ થતો હોય છે. આવી સ્થિતિમાં પોસ્ટ વિભાગની આ પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે. તે સાથે જ પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેન્શનની રકમ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતાથી મેળવી શકે છે.