જામનગર શહેરના વોર્ડ નં.૬ માં વિવિધ વિકાસ કાર્યોનું કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર શહેરના વોર્ડ નં.૬ માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ ખાતમુહૂર્તના કામો જેમાં જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણ પામનાર વોર્ડ નં. ૬ માં ઢીંચડા ગામ પાસે આવેલ યોગેશ્વરધામ સોસાયટીમાં તથા સમર્પણ હોસ્પિટલ થી બેડીબંદરને જોડતા રીંગ રોડથી ઢીંચડા ગામ જવા સાટે સ્લેબ ડ્રેઈન / પાઈપ ડ્રેઈન / માઈનોર બ્રીજ તથા સંલગ્ન સી.સી. રોડની રકમ રૂ.૯૦ લાખ ૮૨ હજારના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત પુષ્પક પાર્ક-૨ અને તિરુપતિ પાર્ક -૨ માં કોમન પ્લોટમાં, યોગેશ્વરધામ મંદિરની બાજુમાં તથા કષ્ટભંજન હનુમાન મંદિરની બાજુમાં રૂ.૧૮ લાખ ૭૫ હજારના ખર્ચે પેવર બ્લોકના કામનું મંત્રીશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રસ્તાના મજબુતીકરણ થવાથી આસપાસની સોસાયટીઓના અનેક લોકોની સુખાકારીમાં અભિવૃધ્ધિ થશે તેમજ જામનગર શહેર ખાતે અવર- જવરમાં પણ ખુબ સરળતા રહેશે. સોસાયટીઓ માંથી ગામને જોડતો રસ્તો કાચો હોવાથી ચોમાસાના સમયમાં લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી થતી હતી. પરંતુ હવે સ્લેબ ડ્રેઇન અને રસ્તાના કામો થવાથી પાણીની સમસ્યા નહીં રહે અને વાહનચાલકોને પણ અગવડતાઓનો સામનો નહીં કરવો પડે.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર ડી.એ.ઝાલા, હાપા એપીએમસીના ચેરમેન મુકુંદભાઈ સભાયા, કોર્પોરેટર જશુબા ઝાલા, અગ્રણીઓ, અધિકારીઓ તેમજ વિવિધ સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment