હિન્દ ન્યુઝ, જામનગરના
જિલ્લા પંચાયત જામનગરના આરોગ્ય વિભાગના વોટસએપ ગ્રુપમાં દરેડ વિસ્તારમાંથી અતિ જોખમી પરિસ્થિતિમાં રહેલી સગર્ભા માતાને AB+ બ્લડ ગ્રુપની જરૂરિયાત હોય તેવી જાણ કરવામાં આવી હતી. આ મેસેજ મળતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીઠડના કર્મચારી શ્રી નરેન્દ્રસિંહ ઝાલાએ પોતાના પીએચસીના ગ્રુપમાં તાત્કાલિક રીતે જાણ કરી હતી.
જેમાં રસનાળ સબ સેન્ટરમાં એમ.પી.એચ.ડબ્લ્યુ. (MPHW) તરીકે ફરજ બજાવતા કર્મચારી શ્રી રાજ લક્ષમણભાઈ ગોગારાએ પોતાને AB+ બ્લડ ગ્રુપ છે તેવું જણાવેલ અને બ્લડ ડોનેટ કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.
જે અંગે જોડીયા તાલુકા આરોગ્ય અધિકારી ડો.સોમૈયા અને ડો.અલ્તાફની આગેવાની હેઠળ તાત્કાલિક ધોરણે પી.એચ.સી.પીઠડની એમ્બ્યુલન્સ લઈને મોડી રાત્રે ડ્રાઈવર સંજયભાઈ ગોગરા, રસનાળ MPHW રાજ ગોગરા, પીઠડ MPHW સતિષભાઈ ગરચર, બોડકા MPHW વૈભવભાઈ જોષી તથા એકા.આસી. શ્રી નરેન્દ્રસિંહ ઝાલા દ્વારા જામનગર ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચીને સગર્ભા માતાને બ્લડ ડોનેટ કર્યું હતું અને જોખમમાં રહેલી સગર્ભા માતાને સમયસર સારવાર મળી રહે તે માટેની તત્પરતા દાખવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ.
જે બદલ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયાએ આ કામગીરીમાં સહભાગી થયેલ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.