હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા માતા પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનના પ્રતિક સ્વરૂપે શરૂ કરવામાં આવેલ “એક પેડ મા કે નામ” અભિયાનને વધુ વેગ આપવાના ઉમદા હેતુથી તાલાલા નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનની સાથે સાથે પાલિકાના ગ્રાઉન્ડ, સ્મશાન ગ્રાઉન્ડ, બસ સ્ટેન્ડ, ગુંદરણ રોડ સહિતની જગ્યાઓ પર ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ અંતર્ગત ૧૦૮ વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં.
તાલાલા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર વિનોદ રાઠોડના જણાવ્યા મુજબ, તાલાલા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ‘એક પેડ મા કે નામ’ અભિયાનને પણ સાથે જોડવામાં આવ્યું હતું. સ્વચ્છતાની સાથે સાથે પર્યાવરણના જતન અને સંવર્ધન માટે શહેરીજનોને સંદેશ આપવામાં આવ્યો હતો.
નગરપાલિકાના ગ્રાઉન્ડમાં શહેરીજનો, કર્મચારીઓએ સાથે મળી નગરપાલિકાના દિવંગત કર્મચારીઓની યાદમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષોનું વાવેતર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કર્મચારીઓ અને શહેરીજનોએ સાથે મળીને વિવિધ જગ્યાઓ પર ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ૧૦૮ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું. આ વૃક્ષોનું વાવેતર કરી અને તેનું જતન કરવામાં આવશે.