હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
પ્લાસ્ટિકના ઉપયોગના કારણે દર વર્ષે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે. દરિયામાં પ્રદૂષણ ન થાય અને જીવસૃષ્ટિનું સંરક્ષણ થાય તેવા હેતુસર દર વર્ષે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી કરવામાં આવે છે.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ચોપાટી પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો કચરો નાખવાનું બંધ થશે તો કચરો વીણવાની જરૂરિયાત જ નહીં રહે.
વધુમાં તેમણે અપીલ કરી હતી કે, નાગરિકો ચોપાટી પર હરે-ફરે, પોતાની સાથે જમવાનું લાવે પરંતુ પોતાની સાથે એક કપડાની થેલી રાખે અને એમાં ભરીને કચરો લઈ જાય. ડોર ટૂ ડોર કચરો લેવા આવતા શ્રમયોગીઓને એ કચરો આપે તો આ રીતે રાષ્ટ્રની મોટી સેવામાં નાગરિકોની સહભાગીદારી નોંધાશે.
સફાઈ અભિયાન થકી વિદ્યાર્થીઓએ ચિત્રો દ્વારા સમુદ્રમાં રહેતા જીવોના સંરક્ષણ અને સંવર્ધનનો સંદેશો આપવામાં આવ્યો હતો તેમજ નાગરિકો સ્વચ્છતા અંગે સભાન થાય તે માટે સિગ્નેચર અભિયાનનું આયોજન કરાયું હતું.
વેરાવળ ચોપાટી પર સફાઈ અભિયાન દ્વારા સમુદ્રમાં રહેતા જીવો અને પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કરી પ્લાસ્ટિક સમુદ્રમાં નહીં નાખવાનો એક ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાન થકી બીચ પરથી પ્લાસ્ટિકની નકામી બોટલો, તૂટી ગયેલા ગ્લાસ, વનસ્પતિના નકામા પાંદડાઓ, માછલી પકડવાની તૂટી ગયેલી જાળી સહિત નકામો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.
આ સામૂહિક ચોપાટી સફાઈ અભિયાનમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, વેરાવળના નેવલ યુનિટ એનસીસીના કમાન્ડિંગ ઓફિસર અક્ષર ઠક્કર, પી.ઓ ઓમપ્રકાશ ગીરી, રાહુલ કુમાર સહિત એન.સી.સી, વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, સામાજીક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, નગરપાલિકા, વિદ્યાર્થીઓ સહિત શહેરી જનો જોડાયા હતાં.