જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ઇણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જનપ્રતિનિધિઓ દ્વારા જમીન વળતર, વેરા વસૂલાત, સહિત જનહિતલક્ષી પ્રશ્નોનાં નિકાલ અંગે તેમજ ગીર ગઢડા રેવન્યૂ સ્ટાફની બાકી ક્વાર્ટરની કામગીરી, જમીન સંપાદન સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા.

તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે આજોઠા ગામમાં પ્રાથમિક આરોગ્ય દવાખાનાની જમીન ફાળવણી, પશુ દવાખાનાનાં પ્રશ્નો તેમજ બાદલપરામાં સાઇકલોન શેલ્ડર કામગીરી ચાલુ કરવાં અંગેની રજૂઆત કરી હતી.

તેમણે વધુમાં સૂત્રાપાડા તાલુકાનાં અમરાપુરમાં જમીન માપણી, સુંદરપરાથી પ્રાચી અન્ડરબ્રિજની કામગીરી, ધાવા ગામે ખેડૂતોને પાણીની અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન પસાર કરવાની મંજૂરી, આજોઠામાંથી પસાર થતાં નેશનલ હાઇવેમાં સંપાદન થયેલી જમીનનાં વળતર ચૂકવવા, વડોદરા-ઝાલામાં સિંચાઈની યોજનામાં સંપાદન થયેલ ખેડૂતોની જમીનનું વળતર ચૂકવવા, નેશનલ હાઇવે પર બંધ પડેલ સ્ટ્રીટ લાઈટ, હાઈ માસ્ટ ટાવર સહિતનાં પ્રશ્નો રજૂ કર્યાં હતાં.

કલેકટર એ સંબંધિત વિભાગના અધિકારીઓને જન પ્રતિનિધિઓના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવી સમયસર જાણ કરવા તેમજ નેશનલ હાઇવે પર બંધ પડેલ સ્ટ્રીટ લાઈટની સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તે દિશામાં કામ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

વધુમાં તેમણે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આયોજનની સમીક્ષા કરતા આયોજનના સ્થળે બેઠક વ્યવસ્થા, પાણી, લાઈટ સહિતની સુચારૂ વ્યવસ્થા ગોઠવવાં સૂચના આપી હતી તેમજ ગરીબ કલ્યાણ મેળાના સુનિયોજીત આયોજન માટે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, ગીર પશ્ચિમ ફોરેસ્ટ રેન્જનાં એસીએફ વિકાસ યાદવ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શના ભગલાણી, ઉના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોષી સહિત જિલ્લાનાં શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment