હિન્દ ન્યુઝ, સિહોર
સરકાર દ્વારા માતા અને બાળકનાં સર્વાંગી સ્વાસ્થ્ય માટે પોષણ માસ ઉજવણી થઈ રહી છે, આ સંદર્ભે સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી દ્વારા ભાવનગર જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી રૈયાબેન મિયાણી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો.
ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી કેન્દ્રમાં પોષણ અને સ્વાસ્થ્ય બાબત કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓ સહિત મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોષણ માસ સંદર્ભે થયેલ ઉજવણીમાં સંકલિત બાળવિકાસ યોજના કચેરીનાં અધિકારી શારદાબેન દેસાઈનાં સંકલન સાથે ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો.
સિહોર કચેરીનાં નિરીક્ષક હેમાબેન દવે, રિંકલબેન બારૈયા તથા નિધિબેન વ્યાસનાં આયોજન સાથે બાળકોને અન્નપ્રાશ વિધિ કરવામાં આવી તથા પોષણ યુક્ત ખોરાક માટે માહિતી સાથે માર્ગદર્શન અપાયું. અહીંયા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના લાભાર્થીઓને ચણા તથા તેલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તલાટી મંત્રી મૂકેશભાઈ પરમાર અને આચાર્ય ધીરુભાઈ જાંબુકિયા સાથે આંગણવાડી બહેનોનો સહયોગ રહ્યો અને સ્થાનિક બહેનોને લાભ મળ્યો છે.