આણંદના હાડગુડ ગામની પી. એમ. શ્રી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિલ્પાબેન પટેલ ને આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગીને

૫ મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ

હિન્દ ન્યુઝ, આણંદ 

    આણંદના હાડગુડ ગામની પી. એમ. શ્રી પ્રાથમિક ગુજરાતી શાળામાં ફરજ બજાવતા શિલ્પાબેન પટેલને વર્ષ – ૨૦૨૪ અંતર્ગત આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.

કેમ કરવામાં આવી તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી…

        પ્રકૃતિ અને પુસ્તક પ્રેમી શિક્ષક, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને વિશેષ તૈયારી કરાવી મેરીટમાં આવે ત્યાં સુધી સતત પ્રયત્નશીલ રહેનાર..સામાજિક વિજ્ઞાનના વિષયમાં વિદ્યાર્થીઓને પ્રવાસ-પર્યટન અને મુલાકાત થકી અનુભવજન્ય જ્ઞાન આપનાર, ભાષા વિષયમાં વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક અને સંશોધનાત્મક સાધનો દ્વારા માતૃભાષાનું જતન અને સંવર્ધન થાય તે માટેના હકારાત્મક પ્રયાસો કરનાર કર્મનિષ્ઠ શિક્ષક એટલે શ્રી શિલ્પાબેન પટેલ.

બાળકોના અને વાલીઓના પ્રિય એટલે શિલ્પાબેન પટેલ…

        શાળાની તમામ પ્રવુતિઓમાં તેમનો ઉત્સાહ ખૂબ જ હકારાત્મક. વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચે અને તે થકી જ્ઞાન સભર બને તે માટે શાળા કક્ષાએ શાળા પુસ્તકાલયને પુસ્તકોની ભેટ આપવામાં અગ્રેસર…..

        પોતાના તેમજ વિદ્યાર્થીઓના જન્મદિન નિમિત્તે વિદ્યાર્થીઓને પુસ્તક / છોડ ભેટ આપે તે માટેની ઝુંબેશમાં તેમની ભાગીદારી હંમેશા નોંધપાત્ર રહી છે, તેમ શાળાના આચાર્ય જણાવે છે.

        શાળામાં નવીન કાર્ય માટેના પ્રથમ દાતા. શાળા પ્રકૃતિમય બને તેવા ઉમદા હેતુથી જન્મદિવસ નિમિત્તે શાળામાં સ્વ ખર્ચે ટ્રી ગાર્ડ સહિત વૃક્ષારોપણ કરીને અલગ રાહ ચિધનાર શિક્ષક એટલે શિલ્પાબેન પટેલ.

સ્વયં નિયમિત એટલે વિદ્યાર્થીઓ પણ નિયમિત…

        સૌથી વધુ વખત શાળાકક્ષાએ નિયમિત વર્ગનો એવોર્ડ મેળવનાર અને પોતે નિયમિત શિક્ષક તરીકે શાળા કક્ષાએ સન્માનિત થયેલ છે. શાળા કક્ષાએ ‘કર્મશીલ’ શિક્ષક તરીકેનું બહુમાન પણ તેમને આપવામાં આવેલ છે.

        રોટરી ક્લબ આણંદ અને ઇનરવહીલ ક્લબ આણંદ તરફથી ‘નેશન બિલ્ડર’ એવોર્ડથી પણ તેઓ સન્માનિત થયેલ છે.

        સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં શાળાકક્ષાએ તેમની વિશેષ ભાગીદારી છે.શાળા સમયમાં અને શાળા સમયબાદ પણ તેઓ વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના અને NMMS જેવી સ્પર્ધાત્મક અને જીવન ઉપયોગી પરીક્ષાઓ ની તૈયારી કરાવે છે, પરિણામે જિલ્લા કક્ષાના મેરીટ ક્રમમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ તેમના જ વર્ગના આવે છે.

        વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીની રૂબરૂ મુલાકાત કરાવીને અનુભવજન્ય જ્ઞાન આપવાના નમ્ર પ્રયાસો તેમણે આદરેલા છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઇનોવેશન, વિજ્ઞાન પ્રદર્શન અને રિસર્ચ પેપરમાં ઉત્સાહથી ભાગ લઈ શિક્ષક તરીકે સતત અપડેટ રહે છે.

        ૧૫ ઓગષ્ટ ૨૦૨૪ સ્વતંત્રતા દિનની ઉજવણી માટે શાળાની એક પ્રતિભાશાળી વિદ્યાર્થીની સાથે શ્રી શિલ્પાબેન પટેલને દિલ્હી લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રીય કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીમાં સામેલ થવા માટે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા.. જે તેમના માટે આજીવન સંભારણું બન્યું છે.

        ઉત્સાહ અને હકારાત્મક અભિગમથી ભરપૂર શિલ્પાબેન પટેલને શાળાપરિવાર, એસ.એમ.સીના સભ્યો અને સમગ્ર આણંદ તાલુકા શિક્ષણ જગત તરફથી ખૂબ ખૂબ અભિનંદન.. અને શુભેચ્છાઓ…


Related posts

Leave a Comment