આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્તોને સત્વરે રૂ.૧.૮૧ કરોડ જેટલા રકમની સહાયની ચૂકવણી ડીબીટીના માધ્યમથી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ 

    આણંદ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે જિલ્લાઓમાં અસરગ્રસ્ત લોકોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સર્વે કરીને અત્યાર સુધીમાં અસરગ્રસ્તોને રૂ.૧.૮૧ કરોડ ઉપરાંતની વિવિધ આર્થિક સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે.

        જિલ્લા વહીવટી તંત્રએ પૂરગ્રસ્તોને કરેલ આર્થિક સહાય જોઈએ તો, ૫૫૨ જેટલા કુટુંબોને રૂ. ૩.૫૦ લાખ જેટલી કેશડોલ્સ, ૬૨૩ જેટલા કુટુંબોને ૨૨.૭૫ લાખ જેટલી ઘરવખરી સહાય, ૧૧ જેટલા પશુઓ માટે રૂ. ૩.૨૦ લાખ જેટલી પશુ સહાય, ૨૯ જેટલા આંશિક પાકા મકાન માટે ૨.૨૮ લાખ જેટલી આંશિક પાકા મકાન સહાય, ૯૧૦ જેટલા આંશિક કાચા મકાનો માટે રૂ. ૩૭.૫૭ લાખ આંશિક કાચા મકાન સહાય, ૮૧ સંપૂર્ણ કાચા મકાન માટે રૂ. ૯૨.૩૨ લાખની સંપૂર્ણ કાચા મકાન સહાયની ચૂકવણી કરવામાં આવી છે.

        આ ઉપરાંત અસરગ્રસ્ત થયેલ ૨ સંપૂર્ણ પાકા મકાન માટે રૂ. ૨.૪૦ લાખની સંપૂર્ણ પાકા મકાન સહાયની ચૂકવણી કરવામાં આવી છે. પૂરથી અસરગ્રસ્ત થયેલ ૪ ઝૂંપડા માટે પણ રૂ. ૩ર હજારની ઝૂંપડા સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે. તદ્ઉપરાંત, ૪ માનવમૃત્યુ અન્વયે રૂ. ૧૬ લાખની માનવ મૃત્યુ સહાયની ચૂકવણી કરવામાં આવી છે.  

        આમ, સમગ્ર રાજયની સાથે આણંદ જિલ્લામાં પણ આવી પડેલી આ આકાશી આફતના સમયમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં સંવેદનશીલતા સાથે કાર્ય કરીને અસરગ્રસ્તોને રૂ.૧.૮૧ કરોડ જેટલી રકમની સહાયપેટે ચૂકવણી ડીબીટીના માધ્યમથી અસરગ્રસ્તોના એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવી છે.

Related posts

Leave a Comment