કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વેરાવળ ખાતે ‘દિવ્યાંગ બાળ કેમ્પ’ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ૨૫૨ દિવ્યાંગ બાળકોના દિવ્યાંગ પ્રમાણપત્ર/યુ.ડી.આઈ.ડી. કાર્ડ અંગેની કામગીરી પૂર્ણ થતાં પ્રાંત અધિકારીની કચેરી, વેરાવળ ખાતે ‘દિવ્યાંગ બાળ કેમ્પ’ યોજાયો હતો.

આ કેમ્પમાં કલેક્ટર તેમજ અધિકારી ઓના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને મંજૂરી હૂકમ, પ્રમાણપત્ર તેમજ નિઃશુલ્ક બસ પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કલેક્ટરએ જણાવ્યું હતું કે, દિવ્યાંગોના આમૂલ જીવન પરિવર્તન માટે સરકાર સતત કાર્યશીલ છે. સરકારી યોજનાના લાભ મેળવવા માટે દિવ્યાંગ લાભાર્થીઓને અને તેમના વાલીઓને સરળતા રહે તે માટે ૧૬ જુલાઈથી એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુમાં વહીવટી તંત્ર દ્વારા સમાજ સુરક્ષા અને સરકારી હોસ્પિટલના સંકલનમાં રહી લાભાર્થીની ઓળખ કરી અને પાત્રતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને મફત મુસાફરી બસપાસ યોજના, સંતસુરદાસ યોજનાના લાભો સહિત દિવ્યાંગ પ્રમાણપત્ર આપવામાં આવ્યાં છે. જેથી આ પ્રમાણપત્રના આધારે દિવ્યાંગોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહેશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કેમ્પમાં કુલ ૧૬ લાભાર્થીઓને બૌદ્ધિક અસમર્થતા (મનોદિવ્યાંગ) પેન્શન યોજના, સંતસુરદાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, મફત મુસાફરી બસપાસ યોજના જેવી વિવિધ યોજનાઓના લાભો સહિત દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં પોર્ટલ થકી વધુ દિવ્યાંગોને લાભ મળે એવું સુનિયોજીત આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે વિવિધ તબક્કાઓમાં એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પ બાદ દિવ્યાંગતા ધરાવતા બાળકોની ઓળખ કરી અને તેમની આરોગ્યલક્ષી તપાસ, યુ.ડી.આઇ.ડી. કાર્ડ કાઢવા તેમજ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ચકાસણી જેવી સુવિધાઓ સહિત તેમના વાલીઓ સાથે નિઃશુલ્ક રહેવા-જમવા અને ટ્રાન્સપોર્ટેશન સહિતની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દિવ્યાંગોને અગ્રીમતા આપી હતી.

સમગ્ર કાર્યક્રમના અંતે આભારવિધિ સમાજ સુરક્ષા કચેરીના ચીફ પ્રોબેશનલ ઓફિસર મયુર ખાંભલાએ કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.આર.રાવે કર્યું હતું.

આ દિવ્યાંગ બાળ કેમ્પમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સિવિલ સુપ્રિટેન્ડન્ટ જિજ્ઞેશ પરમાર, આર.એમ.ઓ બરૂઆ, કાઉન્સેલર મયુર બથવાર સહિત દિવ્યાંગ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment