હિન્દ ન્યુઝ, જામનગર
સમગ્ર હાલાર પંથકમાં અતિવૃષ્ટિને કારણે જનજીવનને અસર પહોંચી છે.જામનગર શહેરમાં પણ છેલ્લા પાંચ દિવસમાં 1159 એમ.એમ. જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. ત્યારે શહેરીજનોને ઓછામાં ઓછી હાલાકી પડે તેમજ જનજીવન પૂર્વવત થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ જામનગરમહાનગરપાલિકા દ્વારા અનેક મોરચે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગેની વધુ વિગતો આપતા નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલાએ જણાવ્યું હતું કે શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બે સગર્ભા મહિલા સહિત 290 થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1550 નાગરિકોનું સ્થળાંતર કરી તેઓને સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડવામાં આવેલ છે.સ્થળાંતરિત કરાયેલ તથા અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મુશ્કેલી ન પડે તે હેતુથી ૧.૪૦ લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવેલ છે. હાલ વરસાદ બંધ થવાના કારણે શહેરમાંથી વરસાદી પાણી ઓસરતા ૧૪ જેટલા જે.સી.બી. અને પ ટ્રેકટરની મદદથી નીચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડ દુર કરવા સહીતની સફાઈ કામગીરી તેમજ પડી ગયેલ વૃક્ષો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પીવાના પાણીની લાઇનો વ્યવસ્થિત કરી લોકોને જરૂરીયાત મુજબનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે સાથે સાથે સફાઇ કામગીરી પણ વિવિધ વિસ્તારોમાં શરૂ કરી દેવાઈ છે. ઉપરોક્ત તમામ કામગીરી તાકીદે પૂર્ણ કરવાની સાથે સાથે આરોગ્ય વિષયક કામગીરી પર પણ પુરતુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ છે.
Advt.