હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાહતની કામગીરી માટે સમગ્ર તંત્ર રાતદિન એક કરી રહ્યું છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ઊભી ન થાય તે માટે ઠેર-ઠેર માનવ સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
ત્યારે ભાવનગર જિલ્લાના વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ડોક્ટર્સની બ્રિગેડ પણ વડોદરા ખાતે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ ઉકાણી અને તેમની ટીમ સાથે એમ.પી.એચ.ડબલ્યુ. શ્રી દિલીપભાઇ વાજા, એમ.પી.એચ.ડબલ્યુ. શ્રી રઘુભાઈ પરમાર અને ડ્રાઈવર શ્રી માધા ભાઈ ખીમસૂરીયા વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ફરજ બજાવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન અન્વયે પૂરગ્રસ્ત ગામોમાં પૂરગ્રસ્તોને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે કામગીરી કરી રહ્યા છે.
કરજણ તાલુકામાં વેળાવદર આરોગ્ય કેન્દ્રની ટીમ જરૂરિયાતમંદોને જરૂરી તબીબી સેવાઓ અને આવશ્યક દવાઓ પૂરી પાડીને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે એ માટે નાના-મોટા, વડીલો સૌ કોઈના આરોગ્યની સંપૂર્ણ કાળજી રાખી રહ્યું છે. રાજ્ય અને જિલ્લાનું આરોગ્ય તંત્ર પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના સ્વાસ્થ્યની દરકાર કરી રહ્યું છે. જરૂરી મેડીકલ સુવિધાઓ સાથે દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Advt.