હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
રાજ્યભરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ (કે.સી.સી ગ્રાઉન્ડ,)વેરાવળ ખાતે કરવામાં આવશે.
જિલ્લા કક્ષાની ઉજવણીમાં મહિલા બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજની સલામી ઝીલશે.
સ્વાતંત્ર્ય પર્વ દિન ઉજવણી અને તેના ઉપલક્ષમાં યોજનાર ‘હર ઘર તિરંગા’ અભિયાનનાં સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ કચેરીના અધિકારીઓને સ્વાતંત્ર પર્વની ઉજવણી અવશરે કરવાની થતી કામગીરીની વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ સાથે, સ્વાતંત્ર પર્વની ઉજવણી સંલગ્ન તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે થાય તે માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે ચોમાસાની ઋતુને ધ્યાને લઇ કાર્યક્રમના સ્થળે આગોતરું આયોજન અને કામગીરી કરવા સૂચના આપી હતી.
તેમજ તેમણે સાંસ્કૃતિક,તિરંગા યાત્રા સહિતનાં કાર્યક્રમો સુનિશ્ચિત કરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે જણાવ્યું હતું કે,હર ઘર તિરંગા અભિયાનમાં જિલ્લાનાં વધારેમાં વધારે નાગરિકો સહભાગી થાય તે માટે તા. ૮ અને ૯ ઓગસ્ટ દમિયાન સ્કૂલોમાં રંગોળી સ્પર્ધા તેમજ તા. ૮ થી ૧૪ દરમિયાન જિલ્લામાં તિરંગા યાત્રાનાં આયોજન અંગે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલએ પાણી, પાર્કિંગ, વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત બાબતે જિલ્લાના વિવિધ અધિકારીઓને આગોતરા આયોજન તેમજ પ્રોટોકોલ મુજબ વ્યવસ્થાઓ ગોઠવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા, નાયબ કલેક્ટર-૧ ભૂમિકાબેન વાટલિયા, જિલ્લા પુરવઠા અધિકારી એન બી મોદી, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી બોરીચા, હેડક્વાટર ડીવાયએસપી શ્રી સી સી ખટાણા, આરોગ્ય, પોલીસ, પંચાયત, વન, માર્ગ અને મકાન, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.