હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ રેલ્વે પોલીસ દ્વારા પોતાના ઘરેથી ભૂલી પડેલ એક પીડિત બાળકીને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર, આણંદ ખાતે મુકવામાં આવી હતી. બાળકીની ઉંમર નાની હોઈ આણંદ રેલ્વે પોલીસ દ્વારા તેના વાલી વારસદારનો સંપર્ક શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બાળકીના વાલી વારસદારનો કોઇ સંપર્ક ના મળતા રેલ્વે પોલીસ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, આણંદની મદદ લેવામાં આવી હતી.
આ દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટર, આણંદ દ્વારા બાળકી સાથે સતત કાઉન્સેલિંગ કરવામાં આવતાં બાળકીએ પોતે ઉત્તરપ્રદેશના કાનપુરની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બાળકીના વાલીવારસનો સંપર્ક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બાળકીના માતાપિતાના સંપર્ક થવા સુધી તેને સખી વન સ્ટોપ સેન્ટર, આણંદ ખાતે આશ્રય હેતુથી રાખવામાં આવી હતી. આશ્રય દરમિયાન જ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બાળકીને તબીબી સહાય અને જરૂરિયાતની તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી.
આ દરમિયાન બાળકીના માતા-પિતાનો સંપર્ક થતાં તેમની બાળકી આણંદના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત હોવાની માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતાં જ બાળકીના માતા અને કાકા સખી વન સ્ટોપ સેન્ટરમાં રૂબરૂ મુલાકાત અર્થે આવી પહોંચ્યા હતાં અને તેમની બાળકીને પોતાની સાથે તેના ઘરે લઈ ગયા હતાં. આમ સખી વન સ્ટોપ સેન્ટર, આણંદ દ્વારા પોતાના પરિવારથી વિખુટી પડી ગયેલી બાળકીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.
Advt.