જનસેવકની અનોખી જનસંવેદના
હિન્દ ન્યુઝ, આણંદ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી જનસંવેદનાનો વધુ એક પરિચય આણંદ જિલ્લાના સારસાના ગ્રામજનોને થયો હતો.
ભૂપેન્દ્ર પટેલે મૃદુ, મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી તરીકે મેળવેલી લોકચાહના તેમની શુક્રવારે સારસાની મૂલાકાતથી વધુ પ્રબળ બની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે ,૧૪મી જૂને સવારે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા મુખ્યમંત્રીના OSD ધીરજ પારેખ સાથે સારસા ગામે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીએ સારસામાં સ્વાગતની કોઈ જ ઔપચારિકતા વિના ગ્રામજનો સાથે સીધો જ સંવાદ સાધ્યો હતો.
ગ્રામજનોએ મુખ્યમંત્રી સમક્ષ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બેડની સુવિધા વધારવા, આણંદ સારસાને જોડતા રસ્તાની મરામત કરવા, ખેડૂતોને મળતી ટ્રેક્ટર સહાય અંગે, સખી મંડળોને આર્થિક પ્રવૃત્તિ માટે જગ્યા ફાળવવા, ગ્રામ પંચાયતને આપવામાં આવતી સ્વચ્છતા ગ્રાન્ટમાં વધારો કરવા વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનોના પ્રશ્નોનો ત્વરાએ ઉકેલ લાવવા સ્થળ પર જ મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ અને જિલ્લાના તંત્ર વાહકોને સૂચનાઓ આપી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પ્રત્યે હકારાત્મક વલણની હૈયાધારણા પણ તેમણે ગ્રામજનોને આપી હતી.
મુખ્યમંત્રીએ સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને પોતાના કામ માટે ધક્કા ખાવા ન પડે એટલુ જ નહિં, તેમનું માન-સન્માન જળવાય અને કચેરીમાંથી અરજદાર બહાર નીકળે ત્યારે તેના ચહેરા પર સંતોષનું સ્મિત હોય એવી કાર્ય સંસ્કૃતિ વિકસાવવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાન તરીકે પદભાર સંભાળતાની સાથે જ ત્રણ કરોડ નવા આવાસો આપવાની મંજૂરી આપી છે અને જરૂરતમંદ લોકોને પાકું આવાસ છત્ર મળે તે સુનિશ્ચિત કર્યું છે.
મુખ્યમંત્રીએ વીજળી બિલમાંથી મુક્તિ માટે સારસા ગામમાં તમામ ઘરોમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે ગ્રામજનોને પ્રેરણા આપી હતી.
રાજ્ય સરકારના વિવિધ ૧૦ જેટલા યોજનાકીય લાભોના ચેક અને સાધન સહાયનું મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે સારસા ગ્રામ પંચાયત મુલાકાત લીધી હતી અને ગ્રામ પંચાયત પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ સારસા સ્થિત સત કૈવલ મંદિરની મુલાકાત લઈ દર્શન અર્ચન કર્યા હતા. ગાદીપતિ અવિચલદાસજી મહારાજે મુખ્યમંત્રીનો આવકાર કર્યો હતો.
મુખ્યમંત્રીની સાદગી, સહજતા અને ગ્રામીણ નાગરિકો સાથેના ઉષ્માપૂર્ણ વ્યવહારથી ગ્રામજનોએ પોતીકી સરકારના પોતાના મુખ્યમંત્રીનો સંતોષ ભાવ અનુભવ્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી,સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા અગ્રણી રાજેશભાઈ પટેલ, પદાધિકારીઓ, સરપંચ કિરીટભાઈ પટેલ,કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Advt.