છોટાઉદેપુર જિલ્લાના જળાશયોમાં કોઈ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓના પ્રવેશવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

નદી, તળાવ, નહેર, દરીયામાં નહાવા પડવાથી વ્યક્તિઓના ડુબી જવાથી મૃત્યુ થવાની સંભાવનાને ધ્યાને લઈ છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલીયાએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લામાં કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામા અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ શરૂ હોય તે સમયગાળા દરમિયાન નદી-નાળા, કોતરો, તળાવ, સરોવર, કોઝ-વે, નહેર અને ચેકડેમ ઉપરથી પસાર ન થવું. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ શરૂ હોય તે સમયગાળા દરમિયાન નદી-નાળા, કોઝ-વે, નહેર, તળાવ તથા પિકનીક સ્પોટ પર મોબાઈલ ફોન/કેમેરાથી સેલ્ફી લેવાનું ટાળવું. ચોમાસાની ઋતુ દરમિયાન નદી-નાળાં, તળાવ, સરોવર, નહેર અને ચેકડેમમાં ન્હાવા તથા તરવા પડવાનું ટાળવું.

ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ શરૂ હોય તે સમયગાળા દરમિયાન પશુધન સાથે નદી-નાળા, કોતરો, તળાવ, સરોવર, કોઝ-વે, નહેર અને ચેકડેમ ઉપરથી પસાર થવાનું ટાળીએ તથા પશુધન નીચાણવાળા વિસ્તારમાં ચરાવવા નહી.

કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ તથા પંચાયત) તથા સિંચાઈ દ્વારા સરોવર – તળાવ, નદી-નાળા, પુલ, કોઝ-વે ઉપર ભયજનક સૂચના દર્શાવતા બોર્ડ પ્રદર્શિત કરવાના રહેશે જ્યાં પાણીની સપાટી ભયજનકની નિશાનથી વધુ પાણી હોય ત્યાં લોકો પસાર ન થાય તે માટે સ્થાનિક તંત્રને એલર્ટ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવો.

ભારે વરસાદના સમય દરમિયાન નદી-નાળા, તળાવ, સરોવર, નહેર અને ચેકડેમ તથા પિકનીક સ્પોટ જેવા સ્થળોએ પોલીસ વિભાગ દ્વારા અવાર-નવાર પેટ્રોલિંગ કરવાનું રહેશે. ભારે વરસાદના સમયે તમામ તલાટીશ્રીઓએ ગામે (હેડકવાર્ટરમાં) ફરજીયાત હાજર રહી તાલુકા ડિઝાસ્ટર કટ્રોલરૂમના સંપર્કમાં રહેવું.

ચોમાસાની ઋતુ દરમ્યાન ભારે વરસાદના કારણે કોઈ નદી, પુલ, કોઝ-વે તેની ભયજનક સપાટીથી ઉપર હોય તો સ્થાનિક સરપંચ – તલાટીઓએ જિલ્લા અથવા તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલરૂમને તાત્કાલિક સૂચિત કરવાનું રહેશે.

ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદના સમયે નદી, પુલ, કોઝ-વે તેની ભયજનક સપાટીથી ઉપર હોય ત્યારે લોકો તેના ઉપરથી પસાર ન થાય તે મામલતદારઓએ, તાલુકા વિકાસ અધિકારીઓએ તથા સ્થાનિક સરપંચ – તલાટીઓએ એલર્ટ કરી જરૂરી તકેદારીના પગલાં લેવા તથા કોઈ અકસ્માત ન બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

આ જાહેરનામું તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી અમલમાં રહેશે તથા આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે.


Advt.

Related posts

Leave a Comment