હિન્દ ન્યુઝ, આણંદ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે, કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને ઝીલીને જળહળતો શ્રી રવિભાણ સંપ્રદાય સવા ત્રણસો વર્ષથી જ્ઞાનજ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. આ સંપ્રદાયે અનેક સમર્થ, તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે. જે પૈકી કહાનવાડી ખાતે ૨૦૦ વર્ષ કરતા વધુ સમયથી રવિભાણ સાહેબની ગુરુગાદી સેવારત રહી ધર્મની સાથે સમાજસેવાનું ઉમદા દાયિત્વ નિભાવી રહી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિરાસતની સાથે વિકાસનો કાર્યમંત્ર આપીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જન જન સુધી વિકાસના કાર્યો પહોંચાડયા છે. વડાપ્રધાને તેમના કાર્ય દ્વારા વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે દેશ – દુનિયાને બતાવ્યું છે.આ સંદર્ભે ગુજરાતમાં આરંભાયેલા વિકાસના યજ્ઞનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની હેલી ચાલી રહી છે, છેલ્લા એક સપ્તાહમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રૂપિયા ૧.૧૦ લાખ કરોડના કામો ગુજરાતને મળ્યા છે.
મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાતના માધ્યમ દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની રાજય સરકારની કટિબધ્ધતાને વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, વિકસિત ભારતમાં એક પણ વ્યક્તિ વિકાસથી વંચિત ન રહે તેની ચિંતા કરતી આ સરકારે વિકસિત ગુજરાતના નિર્માણનો ૨૫ વર્ષનો રોડ મેપ તૈયાર કર્યો છે.
ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. લોકોની જરૂરિયાતને સમજીને સરકારે ગામ -શહેરનો વિકાસ થાય તે માટેનું આયોજનબધ્ધ કાર્ય હાથ ધર્યું છે, વિકાસની આ પરંપરા સુ-આયોજિત રીતે આગળ વધે તે માટે સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે,આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા હવે તેના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.તેમણે વિકસિત ભારત યાત્રાનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, વિકસિત ભારત યાત્રાના માધ્યમથી મોદી સાહેબની ગેરંટીના રથ દ્વારા લોકોના ઘર સુધી જઈને તેમને મળવાપાત્ર યોજનાના લાભો તેમના સુધી પહોંચાડયા છે.
સૌના સાથ સાથે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વિકાસના કામો નાનામાં નાના ગામ સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી પહોંચે એ જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે, અને એ તમારા સુધી પહોંચી છે.
આ પ્રસંગે વલ્લભ વિદ્યાનગરના સેતુ સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનોને આપવામાં આવતા સ્માર્ટ વિઝન ગ્લાસ મુખ્યમંત્રીના હસ્તે બે દિવ્યાંગજનને અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં કહાનવાડી સ્થિત રવિભાણ સાહેબ ગુરુગાદીના આચાર્ય દલપતરામ મહારાજે શાબ્દિક સ્વાગત કરતા ભાણ સાહેબની ગુરુગાદીની પરંપરાનો પરિચય આપ્યો હતો.જ્યારે ભાણસાહેબ ચેતન સમાધિસ્થાન,કમીજળાના મહંત મહામંડલેશ્વર -૧૦૦૮ શ્રી જાનકીદાસ બાપુ એ કબીર પરંપરાની વિચારધારા સાથે જોડાયેલી રવિભાણ પરંપરાની સમજણ આપી, આ પરંપરાએ ભજનવાણી દ્વારા લોકોને બેઠા કર્યા હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય મિતેષભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી,જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ યોગેશભાઈ પટેલ,વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ, અગ્રણી ગોરધનભાઈ ઝડફિયા, રાકેશભાઈ શાહ, રાજેશભાઈ પટેલ, જગતભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, રણજીતભાઈ ચૌહાણ, સુનિલભાઈ શાહ, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, લાલસિંહ વડોદિયા સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની