હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા પ્રભારી સચિવ જેનુ દેવનની અધ્યક્ષતામાં આજે ઈણાજ ખાતે આવેલી કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સમિતિ અને જિલ્લા આયોજન કચેરી હસ્તકના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પ્રભારીએ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી પૂર્ણ થયેલા કામો અને બાકી કામોની વિગતવાર સમીક્ષા હાથ ધરી સંબંધિત વિભાગના અધિકારીઓને આ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પ્રભારી સચિવશ્રીએ આ અંગે જણાવ્યું કે, જનવિકાસના કાર્યોનો હકારાત્મક ઉકેલ આવે તે માટે જિલ્લાના અધિકારીઓએ લોકપ્રતિનિધિઓ સાથે સંવાદાત્મક અભિગમ દાખવીને તેનો સત્વરે ઉકેલ આવે તે દિશામાં કાર્ય કરવું જોઈએ.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી અનેક કામો હાથ ધરવામાં આવે છે. અને તે માટે જરૂરી ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવે છે ત્યારે આ ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો સમગ્રતયાં ઉપયોગ થાય અને તેની નિશ્ચિત સમયમર્યાદામાં તેનો ઉકેલ આવે તે દિશામાં કટિબદ્ધતાથી કાર્ય કરવું જોઈએ.
પ્રભારી સચિવશ્રીએ આ બેઠકમાં વિવેકાધીન કામો 5% પ્રોત્સાહક જોગવાઈ, ધારાસભ્યની જોગવાઈ, એટીવીટી જોગવાઈ, જીઓ ટેગિંગ થયેલા કામો વગેરે અંગેની તલસ્પર્શી માહિતી મેળવીને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવા સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં રાઈટ ટુ સી.એમ, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અનુસંધાને ડેટા બેઝ તૈયાર કરવા, ન્યૂઝ એનાલિસિસ પરત્વે રિપોર્ટ મોકલવા, સ્વચ્છતા સહિતની બાબતો અંગે ગહન ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
પ્રભારી સચિવશ્રીએ તાલુકાઓમાં એ.ટી.વી.ટી, તાલુકાના વહીવટી મંજૂરી સહિતની જરૂરી કાર્યવાહી કરીને કામો ઝડપી ચાલુ કરવા તેમજ જે કામોની વહીવટી મંજૂરી સહિતની કામગીરી બાકી છે જે વહેલી તકે પૂર્ણ કરવા અને બાકી રહેલા કામોની ઝીણવટભરી માહિતી મેળવીને વિવિધ કામોની સમીક્ષા અને નવા કામોના આયોજન અંતર્ગત ચર્ચા કરવા જણાવ્યું હતું. તદુપરાંત, લોકોપયોગી કામો પ્રગતિમા છે તેને તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ લોકમાંગણી અને જરૂરીયાત મુજબ નવા કામો પરત્વે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અને નિવાસી અધિક કલેક્ટર આર.જી. આલે પ્રભારી સચિવ દ્વારા નિર્દેશિત કરવામાં આવેલા કાર્યો અને સૂચનાઓનો અમલ કરી ગીર સોમનાથ જિલ્લો તેના નિર્ધારીત લક્ષ્યો હાંસલ કરવા માટે કટિબદ્ધતાથી કાર્ય કરશે. તેમ જણાવી ગીર સોમનાથ જિલ્લો ટીમ ગીર સોમનાથ તરીકે કાર્ય કરશે તેમ જણાવ્યું હતું.
જ્યારે જિલ્લા આયોજનની બેઠકમાં જિલ્લા આયોજન અધિકારીની કચેરી અંતર્ગત આવતા કામો વિશે આયોજન અધિકારી આઈ.જી. પટેલે વિગતવાર માહિતી આપવા સાથે થયેલા કામો અને બાકી રહેલા અને પડતર કામો અંગેની વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબહેન ભગલાણી, ડેપ્યુટી કલેક્ટર ભૂમિકાબહેન વાટલિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, જિલ્લા પૂરવઠા અધિકારી પી.બી.મોદી, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ.એસ.રોય, ઉના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોષી, આર.એન્ડ બી.ના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા સહિત વનવિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય, શિક્ષણ, બાગાયત, નગરપાલિકા, ફિશરિઝ, બંદર, પોર્ટ સહિતના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતાં.