હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ સર્કિટ હાઉસ ખાતે તાલુકા(કોટડા સાંગાણી, લોધીકા, રાજકોટ તાલુકા ગ્રામ્ય) અને શહેર ફરિયાદ સંકલનની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રીના મત વિસ્તાર એવા રાજકોટ જિલ્લાનાં કોટડા સાંગાણી, લોધિકા, અને રાજકોટ (ગ્રામ્ય) તાલુકાના તેમજ રાજકોટ શહેરના પદાધિકારીઓએ સૌની યોજનાના પાઇપલાઇનની વ્યવસ્થા કરાવવા, વાસ્મો યોજના, સિંચાઇ માટે નવા ડેમો બનાવવા તથા ડેમ રિપેરિંગ અને સર્વે કરાવવા, ઔદ્યોગિક વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા, મેટોડા જીઆઈડીસીમાં ઘન કચરાનો નિકાલની વ્યવસ્થા માટે ટીપર વાન ફાળવવા, તાલુકાના ગામોના અને શહેરના વિવિધ વિસ્તારોમાં થતા દબાણ દૂર કરવા, સ્ટ્રીટ લાઈટ, વીજળી, ગામોને જોડતા પુલો, રોડની મરામત કરાવવા સહિતના વિવિધ યોજનાઓ અને સેવાઓને લગતા પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ તમામ પ્રશ્નોના નિરાકરણ લાવવા મંત્રી, કલેકટર, મ્યું.કમિશનર એ સંબંધિત વિભાગના અધિકારી ઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, મેયર નયનાબેન પેઢડિયા, દંડક મનીષભાઇ રાડિયા, અગ્રણી સર્વે મુકેશભાઈ દોશી, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, આર.એમ.સી. કમિશનર આનંદ પટેલ, જે.સી.પી. વિધિ ચૌધરી, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, ડી.એફ.ઓ. તુષાર પટેલ, ડે. કમિશનર સ્વપનીલ ખરે, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, મુખ્ય કારોબારી અધિકારી જી.વી. મિયાણી, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ વાંગવાણી, ડે. ડી. ડી. ઓ. ઈલાબેન ગોહિલ, આઈ.સી.ડી.એસ.પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી કે.વી.મોરી, અનુસૂચિત જાતિના નાયબ નિયામક આનંદબા ખાચર સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ, નગરસેવકો, પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.