હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાના હસ્તે આજે રાજકોટમાં વોર્ડ ૧૧માં, રૂ. ૨૮૭ લાખના અંદાજિત ખર્ચના ચાર વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટના મેયર શ્રીમતિ નયનાબહેન પેઢડિયાની અધ્યક્ષતામાં આજે મવડીમાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મવડી વિસ્તારમાં આવેલા વોર્ડ-૧૧માં રૂપિયા રૂ. ૯૯ લાખના ખર્ચે જેટકો ચોકડીથી પાટીદાર ચોક નવા રીંગ રોડ તરફના માર્ગનું રી કાર્પેટિંગના કામ, ઉપરાંત વોર્ડ નં-૧૧માં આવેલા સ્પીડવેલ ચોક રૂ.૮૨.૪૯ લાખના ખર્ચે ડેવલોપ કરવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત વોર્ડ નં-૧૧માં ટીપી સ્કીમ નં.૨૭માં અનામત પ્લોટમાં રૂ.૭૪.૭૫ લાખના ખર્ચે ચાપણીયાની દિવાલ કરવાનાં કામનું તથા વોર્ડ નં.૧૧માં અંતિમ ખંડ નં.૭૧-એમાં રૂ.૩૧.૨૩ લાખના ખર્ચે કમ્પાઉન્ડ તથા સ્ટોર રૂમ બનાવવાના કામનું ખાતમુહૂર્ત પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, વોર્ડ નં.૧૧માં જેટકો ચોકડીથી પાટીદાર ચોક નવા રીંગરોડ તરફના ૯ મી.ના ૧.૨ કિ.મી. રસ્તા પર ડામર રી-કાર્પેટ થવાથી વાહન વ્યવહાર કરતા અંદાજે ૨૫૦૦૦ લોકોને ફાયદો થશે. જ્યારે સ્પીડવેલ ચોક ડેવલપ થવાથી અંબિકા ટાઉનશીપના આશરે ૫૦,૦૦૦ લોકોને ફાયદો થશે. આ ઉપરાંત વોર્ડ નં.૧૧માં ટીપી સ્કીમ નં.૨૭માં અનામત પ્લોટમાં ચાપણીયાની દિવાલ થવાથી ગેરકાયદે દબાણ થશે નહીં. જ્યારે અંતિમ ખંડ નં.૭૧-એમાં કમ્પાઉન્ડ તથા સ્ટોર રૂમ બનવાથી દબાણ હટાવ શાખા દ્વારા જપ્ત થયેલો માલ-સામાન રાખવામાં સગવડતા થશે. આ તકે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા સુ લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલા, ભરતભાઈ શિંગાળા તેમજ વિવિધ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.