હિન્દ ન્યુઝ, ચોટીલા
ચોટીલા આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને ચોટીલા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે-૪૭ પર ચોટીલા શહેરી વિસ્તારમાં દબાણ, આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાને લઈ એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ, તાલુકા પંચાયત અને પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશકુમાર શર્માએ ઉપસ્થિત તમામ અધિકારીઓ/ કર્મચારીઓને વિગતવાર માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા. આ બેઠક બાદ આસિસ્ટન્ટ કલેકટરના માર્ગદર્શન મુજબ હાઇવેની જમીન પર અતિક્રમણ કરનાર દુકાનદારો, હોટેલ માલિકો અને ધંધાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે એક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત સંયુક્ત ટીમ દ્વારા અતિક્રમણ કરનારાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગની હદનું સીમાંકન દર્શાવી જમીન પર દબાણો દૂર કરવા વિનંતી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ચોટીલા હાઇવે ઉપર આવેલ ચામુંડા ચોકડી અને આનંદપુર ચોકડી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૭ની જમીનો અને અન્ય સરકારી જમીનો પરથી ૦૭ દિવસમાં દબાણ દૂર કરવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા દબાણ કરનારાઓને ટૂંક જ સમયમાં લેખિત નોટીસ આપવામાં આવશે. નિર્ધારિત સમય મર્યાદામાં જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો સંબંધિત વિભાગ દ્વારા કાયદાકીય જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.