હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા’ના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ‘સ્વસ્થ ગુજરાત’ના મિશન સાથે યોગાભ્યાસ થકી સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાવવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નવતર અભિગમ એટલે ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત રાજ્યવ્યાપી ‘સૂર્યનમસ્કાર મહાઅભિયાન’. મોઢેરા સહિત ૧૦૮ આઈકોનિક સ્થળોએ યોજાયેલા આ મહાઅભિયાનમાં ગીર સોમનાથની પણ સહભાગીદારી નોંધાઈ હતી અને સોમનાથ પથિકાશ્રમ ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.આ તકે, ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ વડે રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જોડાયા હતા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળગીર સોમનાથમાં પથિકાશ્રમ મેદાન ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં સૂર્યનમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ સહિત સ્થાનિક લોકોએ ૧૧ સૂર્યનમસ્કાર કરી સૂર્યદેવની ભાવવંદના કરી હતી.
આ તકે, જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો છે અને આ કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પામવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર રાજ્ય માટે આ ગૌરવની ક્ષણ છે. આપણે બધા આ અભૂતપૂર્વ ક્ષણના સાક્ષી બન્યા છીએ. સૂર્યનમસ્કાર એ ૧૨ જેટલા યોગને સમાવતો સર્વાંગ યોગ છે. જેમનું તન તંદુરસ્ત એમનું મન પણ તંદુરસ્ત. આમ જણાવી કલેક્ટરએ યોગ અને સૂર્યનમસ્કારને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા પણ અપીલ કરી હતી.
નોંધનીય છેકે, સતત બદલાતા યુગમાં નીરોગી જીવનશૈલી જરૂરી છે. યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી છે.જે ઉપક્રમે પથિકાશ્રમ મેદાન સહિત ગીર સોમનાથમાં નગરપાલિકા ગ્રાઉન્ડ કોડીનાર ખાતે, સૂર્યમંદિર ખાતે સમૂહ યોગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ સહિત શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થયા હતાં.
મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યકક્ષાના કાર્યક્રમના અંતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પુરુષોની યોગસ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બીજો નંબર મેળવનાર ગીર સોમનાથ જિલ્લાના અનિલકુમાર બાંભણિયાને મહાનુભાવોનાહસ્તે ૧,૭૫,૦૦૦નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.