કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર 

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના બેડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, સમાજના તમામ વર્ગના લોકો માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2047માં વિકસિત ભારત કેવું હોવું જોઈએ તેના માટે અત્યારથી જ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. નાનામાં નાના ગામડાઓમાં પણ વિકાસના કામોનું વડાપ્રધાન દ્વારા અવલોકન કરવામાં આવી રહ્યું છે. વિકાસના કામો, માળખાકીય સુવિધાઓ પૂરી થાય, શિક્ષણ, રોજગારી, વ્યક્તિગત લાભ લોકોને મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે વચેટીયાઓની જરૂર વગર લાભાર્થીઓને ઘરે બેઠા સરકારી યોજનાઓનો સીધો લાભ એનાયત કરવામાં આવી રહ્યો છે. રાજ્યના તમામ જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લોકોને સારવાર કરાવવા માટે રૂપિયા 10 લાખ સુધીનો ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે. પીએમ કિસાન સમ્માનનિધિ યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તા દ્વારા રૂપિયા 6000 ખેડૂતોના ખાતામાં સીધા જમા થતા હોવાથી તેઓને કૃષિની વસ્તુઓ લેવા માટે તે પૈસા ઉપયોગી બની રહ્યા છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના હેઠળ સરકારે નાના કારીગરોને પણ લોન આપવાનું ઉમદા કાર્ય કર્યું છે. નલ સે જલ યોજના હેઠળ અત્યારે દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચતું થયું છે. આ કાર્યક્રમમાં મંત્રી એ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા અંગે અને તેનાથી થતા ફાયદા અંગે પણ સમજૂતી આપી હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજવામાં આવેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી એ બેડ ગામે 800 મીટરના સીસી રોડનું પણ લોકાર્પણ કર્યું હતું. તેમજ લોકોને સરકારી યોજનાઓ થકી માહિતગાર કરવામાં આવ્યા હતા. અને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લોકોએ સાફલ્યગાથા રજૂ કરી હતી. તેમજ મેરી કહાની, મેરી જુબાની હેઠળ તેઓને મળેલા સરકારી લાભો વિશે પણ અનુભવો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે અગ્રગણ્ય મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મિશન મંગલમ સ્વ સહાય જૂથની સારી કામગીરી બદલ પાંચ જૂથોને પ્રમાણપત્ર એનાયત, હર ઘર જલ યોજના અંતર્ગત ગ્રામપંચાયત બેડને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આભાકાર્ડના લાભાર્થીઓ, ઉજ્વલા યોજના, અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા રાખવામાં આવેલા સ્ટોલની મંત્રીએ મુલાકાત લીધી હતી. સૌએ વિકસિત ભારત અંગેના શપથ લીધા હતા તેમજ પ્રધાનમંત્રીનો રેકોર્ડ કરેલ સંદેશ બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ સાંભળ્યો હતો. ત્યારબાદ મંત્રીએ તેમજ અન્ય મહાનુભાવોએ ડ્રોન નિદર્શન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દુધાગરા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી કુમારપાળસિંહ રાણા, તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, પદાધિકારીઓ, અધિકારીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચઓ, મહેમાનો, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment