હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી અને શ્રીમતી યુ.પી.વી કન્યા વિદ્યાલય, જોડિયાના સંયુક્ત ઉપક્રમે પાસપોર્ટ અવેરનેસ અને પાસપોર્ટ વિષે માર્ગદર્શન, વિદેશ રોજગાર તેમજ રોજગાર અને કારકિર્દી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા અભિયાનના ભાગરૂપે આ પ્રકારના અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે.
આ માર્ગદર્શનલક્ષી સેમિનારની શરૂઆતમાં સંસ્થાના આચાર્યા ક્રિષ્નાબા ચુડાસમા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયા બાદ તેમણે પ્રોગ્રામ વિષે ઉપસ્થિત સર્વેને જાણકારી આપી હતી. ત્યારબાદ મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરના કેરિયર કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટ દ્વારા સર્વેને રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ, પ્રવર્તમાન સમયે રહેલી નોકરીની જુદી જુદી જાહેરાતો, એમ્પ્લોયમેન્ટ કાર્ડનું મહત્વ, એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે, તેની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. વિદેશ રોજગાર સેલ, રાજકોટના ઓવરસીસ કાઉન્સેલર હાર્દિકભાઈ મહેતા અને ઓવરસીસ કાઉન્સેલર હામીરભાઈ ચૌહાણ દ્વારા પાસપોર્ટ કેવી રીતે કઢાવવો, પાસપોર્ટ માટે ઓનલાઈન એપ્લીકેશન કેમ કરી શકાય તથા પ્રવર્તમાન સમયમાં થતા પાસપોર્ટ સબબ છેતરપીંડીથી કેમ બચી શકાય તે વિષે સર્વેને સરળ રીતે માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
સમગ્ર કાર્યક્રમના અંતે રોજગાર, એમ્પ્લોયમેન્ટ કાર્ડ, પાસપોર્ટ અને વિદેશ રોજગાર વિષે પી.પી.ટી. સાથે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સંસ્થાના મદદનીશ શિક્ષક ડી.એન.આચર દ્વારા કરવામાં આવી હતી. ઉક્ત સેમિનારમાં, સંસ્થાના સમગ્ર શિક્ષકગણ અને સંસ્થાના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી 225 જેટલી વિધાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી. તેમ મદદનીશ નિયામક (રોજગાર) સુ એસ.બી.સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.