જામનગર જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગના માર્ગદર્શન હેઠળ કિશોરીઓ માટે પ્રવાસનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

  જામનગર જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગના માર્ગદર્શન હેઠળ પૂર્ણા યોજના અંતર્ગત 15 થી 18 વર્ષની શાળાએ ના જતી કિશોરીઓ માટે કૌશલ્ય સંવર્ધન થાય તે હેતુથી તાજેતરમાં કિશોરી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના વિવિધ કાર્યક્રમોના આયોજન માટે જિલ્લા પંચાયત, જામનગરની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૂ.5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગના તમામ ઘટક દ્વારા પોતાના ઘટકની શાળાએ ના જતી કિશોરીઓને કૌશલ્ય સંવર્ધન અર્થે અલગ- અલગ સ્થળોએ પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે.

તાજેતરમાં, લાલપુરમાંથી 54 અને ધ્રોલમાંથી 36- એમ કુલ 90 જેટલી કિશોરીઓ માટે ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ (TCSRD) હેઠળ ચાલતા ઓખાઈ- હેન્ડીકાફ્ટ સેન્ટરની મુલાકાત માટે પ્રવાસનું આયોજન કરાયું હતું. જ્યાં સેન્ટરમાં કામ કરતી મહિલાઓએ કિશોરીઓને તેમના સેન્ટર અને વર્ક વિષે સમગ્ર જાણકારી આપી હતી.

ઓખામંડળના ગામડાઓમાં સ્વ-સહાય જૂયો (SHGs) દ્વારા મહિલાઓ તેમના ઘરનું સંચાલન કરતી વખતે અને તેમના ઘરે જ કઈ રીતે કામ કરીને પોતાની પારંપારિક હસ્તકલાને જાળવે છે, ઓખાઈ ઉત્પાદનો, ગ્રામીણ જીવનશૈલી, તેમની ધાર્મિક વિધિઓ અને તેમની દંતકથાઓની જીવંત અભિવ્યક્તિ તરીકે મિરર વર્ક, પેચવર્ક, ભરતકામનો ઉપયોગ, મહિલાઓના વસ્ત્રો, પુરુષોના વસ્ત્રો, હોમ ડેકોર પ્રોડકટસ અને એસેસરીઝ બનાવવામાં આવે છે. જે સમગ્ર કામગીરીથી કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી. તેમજ કિશોરીઓને સમર્પિત પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમના અંતે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન કિશોરીઓને લેવા- મુકવા માટે બસની વ્યવસ્થા, અલ્પાહાર- પાણી, ભોજન, મેડીકલ કીટ વગેરેની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ પ્રવાસ બાદ તમામ કિશોરીઓના ફીડબેક લેવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રવાસનું તમામ સંચાલન સંકલિત બાળ વિકાસ કચેરી, ધ્રોલ અને લાલપુર આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીશ્રી, કર્મચારીગણ અને જિલ્લા આઈ.સી.ડી.એસ. કચેરીના નોડલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સુ બીનલ બી.સુથાર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

Related posts

Leave a Comment