હિન્દ ન્યુઝ, જામનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા જામનગર જિલ્લાના દરેક ગામમાં પરિભ્રમણ કરી રહી છે. જામનગર જિલ્લાના વસઈ ગામમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી વિવિધ સરકારી યોજનાઓ નાગરિકોને ઘર આંગણે જ ઉપલબ્ધ થઈ રહી છે અનેક યોજનાકીય લાભો નાગરિકોને સ્થળ પર જ અપાઈ રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને લોકો મોદીજીની ગેરેંટીવાળી ગાડીના નવા નામથી ઓળખી રહ્યા છે, અને સ્વંય રાજ્ય સરકાર નાગરિકોના ઘર આંગણે આવીને લોકોના હિતની પૃચ્છા કરે છે. અનેક નાગરિકોને સ્થળ પર જ વિવિધ સરકારી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. જેનાથી સામાન્ય માણસને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડતી નથી. લાભાર્થીનું સ્થળ પર જ ફોર્મ ભરી આપવામાં આવે છે, અને તેમના બેન્ક ખાતામાં સહાય નિયમિતરૂપે જમા થઈ જાય છે. દેશના વિકાસમાં સતત વૃદ્ધિ થાય તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, અને તેમાં અનેક નાગરિકો સહભાગી બન્યા છે.”
સર્વે ગ્રામજનો દ્વારા મંચસ્થ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દીપપ્રાગટ્ય કરાયા બાદ વસઈ પ્રાથમિક શાળાની વિધાર્થીનીનો દ્વારા સ્વાગત ગીત અને ”ધરતી કરે પુકાર : પ્રાકૃતિક કૃષિ ” અન્વયે નુક્કડ-નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ”મેરી કહાની મેરી જુબાની” માં લાભાર્થીઓએ તેમના અનુભવો વ્યક્ત કર્યા હતા. મંચસ્થ મહાનુભાવોના હસ્તે હર ઘર જલ યોજના અંતર્ગત વસઈ ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર, સ્વામિત્વ યોજના હેઠળ રેકર્ડ ડિજિટલાઇઝેશનનું પ્રમાણપત્ર, આભાકાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ વિતરણ, ટીબી હારેગા દેશ જીતેગા જેવી વગેરે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો સ્થળ પર જ અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા વિવિધ વિભાગના માહિતી પુરી પડતા સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી અને ડ્રોનનું નિર્દેશન નિહાળવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની જાણકારી આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે દ્વારા વિકસિત ભારત-2047 ના સંકલ્પને સાર્થક કરવા માટેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિદેવ ગઢવી અને આભારવિધિ જામનગર તાલુકા વિકાસ અધિકારી સરવૈયાએ કરી હતી.
કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહ, રમેશભાઈ મુંગરા, વિનુભાઈ ભંડેરી, કુમારપાળસિંહ રાણા, ગિરિરાજસિંહ જાડેજા, મુકુંદભાઈ સભાયા, અગ્રણીઓ, અધિકારીઓ, વસઈ ગામના ગ્રામજનો તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.