હિન્દ ન્યુઝ, જામનગર
‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.
જે અન્વયે, જામનગર (શહેર) તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.27 ડિસેમ્બરના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી, મુખ્ય કારોબારી અધિકારી, જાડા, જામનગરના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારી, જામનગર (શહેર) ના મિટિંગ હોલમાં યોજવામાં આવશે.
તેથી, અરજદારોએ આગામી તા.11 ડિસેમ્બર સુધીમાં ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ ના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/ અરજી જામનગર (શહેર) મામલતદારની કચેરી, મહેસુલ સેવા સદન, જામનગર- આ સરનામાં પર મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ આ તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જેમાં,
(1) જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને રજૂ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે.
(2) કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ.
(3) કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ પૂરતા આધાર- પુરાવા સાથે રજુઆત કરી શકશે.
(4) કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહીં.
(5) તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા અરજદારે જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામસેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ, અને તે અરજીની તારીખે અનિર્ણિત હોવો જોઈએ. જામનગર (શહેર) તાલુકાના તમામ નાગરિકોને ઉક્ત તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદાર, જામનગર (શહેર) ની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
