“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા”
હિન્દ ન્યુઝ, ભાવનગર
આજ રોજ ભાવનગર બસ સ્ટેશન ખાતે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” નાં બેનર હેઠળ રાજ્ય વ્યાપી સ્વચ્છતા ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે. આ કેમ્પેઇન હેઠળ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે કેમ્પેઈનનો લોગો, જિંગલ અને QR કોડ પેસેન્જર ફીડબેક સીસ્ટમ લોન્ચ કરવામાં આવેલ છે. ભાવનગર બસ સ્ટેશન ખાતે પણ “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઈન ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, રાજીવભાઈ પંડયા,વિભાગીય નિયામક ભાવનગર એસ.પી. માત્રોજા, સીની.ડેપો મેનજર કે.જે. મહેતા, નિગમનાં માન્ય. યુનિયનનાં આગેવાનઓ, ડેપોના કર્મચારીઓ અને મુસાફરોની હાજરીમાં લોન્ચ કરવામાં આવેલ હતી.
આ તકે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ડેપોના અધિકારીઓ, કર્મચારીઓ સાથે મળી સ્વચ્છતા માટે બસ સ્ટેશન ખાતે શ્રમદાન કરેલ હતું. ધારાસભ્યએ બસ સ્ટેશન, બસની રૂબરૂ મુલાકાત લઇ સફાઈ કામગીરી રીવ્યુ કરેલ તેમજ મુસાફર જનતાને બસો અને બસ સ્ટેશનમાં કચરો નહિ કરી તેમજ કચરો ડસ્ટબિનમાં જ નાખી આ “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” નાં કેમ્પેઈનમાં સહભાગી થવા જણાવ્યું હતું. આ ઉપરાંત બસ સ્ટોપ બીમને પેઈન્ટ કરીને પણ શ્રમદાન કરેલ હતું. કેમ્પેઈન લોન્ચિંગનાં ભાગ રૂપે બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા વિષે જાગૃત કરતાં સેલ્ફી પોઈન્ટ, મેસ્કોટ તેમજ હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવેલ હતા.
આ કેમ્પેઈનનાં ભાગ રૂપે નિગમ દ્વારા આવનાર ચાર અઠવાડિયાઓમાં બસો અને બસ સ્ટેશનોની NGO તેમજ શાળા કોલેજોનાં સહયોગથી સ્વચ્છતાની કામગીરી, સ્વચ્છતા અનુરૂપ રમતોની કામગીરી, સ્વચ્છતા થીમનાં શેરી નાટકોથી જન જાગૃતિની કામગીરી, સ્વચ્છતાને લગતી વોલ પેન્ટિંગની કામગીરી, વૃક્ષા રોપણની કામગીરી, સ્વચ્છતા દોડ તેમજ રક્તદાન શિબિર જેવા પ્રોગ્રામો થકી “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઈન કરવામાં આવનાર છે.
નિગમ દ્વારા “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” નું અવિરત ચાલનાર આ કેમ્પેઈનમાં સૌ મુસાફરોએ ભાગીદાર બનવા અને બસો તેમજ બસ સ્ટેશનોમાં સ્વચ્છતા જાળવવા નિગમ દ્વારા સૌને નમ્ર અપીલ કરવામાં આવે છે.