ઉના તાલુકાના રાણવશી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને મળ્યો ઉષ્માપૂર્વક આવકાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશભરમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહીતી છેવાડા લોકો સુધી પહોંચવામાં આવી રહી છે. ત્યારે ઉના તાલુકાના રાણવશી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા બાળાઓએ કંકુ-ચોખાથી રથને તિલક કરી અને ઉષ્માપૂર્વક આવકાર્યો હતો.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ઉનાના રાણવશી ગામે પણ લોકોએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અને લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ આપવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ યાત્રા અંતર્ગત ૨૦ નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતાં અને સ્થળ પર જ ૪ આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કાર્ડ આપવામાં આવ્યા હતાં. આ તકે, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી લખમણભાઈ પાલાભાઈ બાંભણિયા સહિત ઉપસ્થિત તમામે ભારત દેશને વિકસિત બનાવવાની દિશામાં પ્રયત્ન અંગે શપથ ગ્રહણ કર્યા હતાં.

રાણવશીમાં સંકલ્પ યાત્રા દરમિયાન આરોગ્ય કેમ્પમાં ૧૫૫ કરતાં વધુ લોકોની તપાસ કરવામાં આવી હતી જ્યારે ટીબીના ૩૫ દર્દીઓ અને સિકલસેલના ૬ દર્દીઓની પણ તપાસ અને યોગ્ય સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ યાત્રા અંતર્ગત ૧ સ્થાનિક કલાકારીગરને, ૪ મહિલાઓને ૨ વિદ્યાર્થીઓને તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવનાર ૧ રમતવીરનું પણ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જૈવિક ખેતી કરતા ૩ ખેડૂતો સાથે વાર્તાલાપનું પણ આયોજન કરાયું હતું.

વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી રાણવશીના ગ્રામજનોએ ઉજ્જવલા યોજના, એનઆરએલએમ સખીમંડળ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓની માહિતી મેળવી હતી અને સરકારની વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓને મળેલા લાભો અંગે ફિલ્મ પણ નિહાળી હતી.

Related posts

Leave a Comment