હિન્દ ન્યુઝ, રાજકોટ
ભારત સરકારના આયોજન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આગામી દિવસોમાં આયોજન થનાર છે. જેમાં દરેક વોર્ડમાં રથ ફરશે અને સવારે તથા સાંજે “યોજનાકીય કેમ્પ” મારફત લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો અપાશે. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તથા આગામી સમયમાં યોજાનાર અન્ય કાર્યક્રમો અનુસંધાને સમગ્ર આયોજનની ચર્ચા કરવા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને તથા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઈ રાડીયાની ઉપસ્થિતિમાં આજે તા.૨૪/૧૧/૨૦૨૩ના રોજ સવારે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં નાયબ કમિશનરઓ અનિલ ધામેલિયા અને ચેતન નંદાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા જણાવ્યું છે કે, ભારત સરકારના “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નાં આયોજન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં રથ ફેરવવામાં આવશે અને લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો આપવા વોર્ડ દીઠ બબ્બે “યોજનાકીય કેમ્પ” યોજવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં મહત્તમ નાગરિકોને સરકાર ની જુદીજુદી સેવાઓના લાભો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નાં માધ્યમથી લોકો છેલ્લા દસ વર્ષની વિકાસ યાત્રાની ઝલક પણ મેળવી શકશે. ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યરત્ત હતાં ત્યારથી જ રાજ્યના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોની કાયાકલ્પ કરવા માટે ઝુંબેશના રૂપમાં વિકાસલક્ષી પ્રકલ્પો ઝડપભેર હાથ ધરવામાં આવ્યા અને અત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળ આ વિકાસ કૂચ આગળ ધપાવવામાં આવી રહી છે. ગુજરાતના વિકાસ મોડલની માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવા લાગી હતી. આ પછી માન. નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યું અને સમગ્ર દેશમાં વિકાસ કૂચને એક નવી ગતિ મળી.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે એમ કહ્યું હતું કે, આ કાર્યક્રમનાં માધ્યમથી આપણને સૌને નાગરીકોની સેવા કરવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થયો છે. આ અવસર ખુબ સારીરીતે નાગરિકો માટે ફળદાયી પૂરવાર થાય તે પ્રકારનું આયોજન આપણે કરી રહ્યા છીએ તે ખુબ જ આનંદની વાત છે. રાજકોટ મહાનગરપાલિકા આ કાર્યક્રમો થકી મહત્તમ લોકો સુધી પહોંચે તે આપણે સૌ સુનિશ્ચિત કરીશું.
આ બેઠકમાં મ્યુનિ. કમિશનર આનંદ પટેલે એમ કહ્યું હતું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અનુસંધાને હેલ્થ કેમ્પ, સરકારની વિવિધ યોજનાઓ તેમજ અન્ય ઉપયોગી માહિતી લોકો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્કૂલનાં બાળકોની આંખોના નંબરની ચકાસણી સહિતની સ્વાસ્થ્ય સેવાઓ લોકોને ઉપલબ્ધ થનાર છે. આ “યોજનાકીય કેમ્પ”માં સરકાર ની વિવિધ યોજનાઓ જેવી કે, પી.એમ. સ્વનિધિ યોજના, હેલ્થ કેમ્પ, આર.સી.એચ., આયુષ્યમાન યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ. ભારતીય જન ઔષધી યોજના, આધાર નોંધણી, પી.એમ. આવાસ યોજના (અર્બન), સ્વચ્છ ભારત અભિયાન (અર્બન), પી.એમ. ઈ-બસ સેવા, “અમૃત” યોજના, પી.એમ. ઉજ્જવલા યોજના, પી.એમ. મુદ્રા લોન યોજના, ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પી.એમ. વિશ્વકર્મા યોજના, ઉજાલા યોજના, “ખેલો ઇન્ડિયા”, “ઉડાન” યોજના, વંદે ભારત અને અમૃત ભારત સ્ટેશન યોજના અને મામલતદાર કચેરી હસ્તકની સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી પ્રદાન અને આનુસાંગિક કામગીરી કરવામાં આવશે.