હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
રાજયના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તેવા શુભ હેતુસર રાજ્યનાં તમામ તાલુકાઓમાં તા. ૨૪.૧૧.૨૦૨૩ થી તા. ૨૫.૧૧.૨૦૨૩ દરમ્યાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત ગીરસોમનાથ જિલ્લાના ૬ તાલુકાઓમાં તા. ૨૪ નવેમ્બરનાં સવારે ૧૦.૩૦ કલાકે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ છે.
જિલ્લાના તમામ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનુ આયોજન છે. જેમાં ગીરગઢડા તાલુકામાં કોળી સમાજ વાડી દ્રોણેશ્વર રોડ તેમજ કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા નગર, કોડીનાર ખાતે તેમજ સુત્રાપાડા તાલુકાનો સાયકલોન સેન્ટર, પ્રશ્નાવડા ખાતે તેમજ તાલાલા માર્કેટિંગ યાર્ડ, સાસણ રોડ-તાલાળા ખાતે તેમજ ઉના નગરપાલિકા ટાઉન હોલ, દેલવાડા રોડ, ઉના ખાતે અને વેરાવળ તાલુકાના કૃષિ મહોત્સવનુ એ.પી.એમ.સી., કાજલી ખાતે સવારે ૧૦.૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યુ છે.
આ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ના આ બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાશે. તેમજ બીજા દિવસે બહોળા પ્રમાણમાં ખેડૂતો પ્રદર્શનનો લાભ લે તે માટે પ્રદર્શન ખુલ્લુ રાખવામાં આવશે તથા ખેડુતો દ્વારા પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે તેમજ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડુતો હાજર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.તેમજ કૃષિ મહોત્સવના કાર્યક્રમના સ્થળે કૃષિ પ્રદર્શન અને સેવા સેતુ કાર્યક્રમ માટે કુલ ૩૦ સ્ટોલનું આયોજન કરવામાં આવનાર છે.
તદુપરાંત કાર્યક્રમની સાથોસાથ પશુપાલન વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ ૨ દિવસ માટે પશુ આરોગ્ય કેમ્પ કરવામાં આવનાર છે.તેમજ રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકઓ દ્વારા પ્રાકૃતિક ખેતી, ખેતી ખર્ચના ઘટાડા માટે ઇનપુટ્સના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્રારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે કૃષિ વૈજ્ઞાનિક દ્રારા વક્તવ્ય , “ઈન્ટરનેશનલ મીલેટ યર” ને ધ્યાને લઇ “શ્રી અન્ન” (મીલેટ), બાગાયત પાકોમાં નવીનત્તમ ટેકનોલોજી, FPO, ખેતી પાકોમાંથી ઇથેનોલના ઉત્પાદન તથા સહકાર વિભાગના ૨૦ મુદ્દા કાર્યક્રમ જેવા વિષયો સેમીનારમાં આવરી લઇ કાર્યક્રમમાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત તથા FPOની કામગીરી કરતા હોય તેવા ખેડૂતના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યુ છે.